આણંદમાં ‘સરસ મેળા’નો પ્રારંભ ૩૩ જેટલા સ્ટોલ અને ખાણીપીણી માટેના ૨ ફૂડ સ્ટોલ રાખવામાં આવ્યા


તાહિર મેમણ – આણંદ -01/10/2026 – આણંદ ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા આણંદના વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે ‘સરસ મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લાના નગરજનોને તા. ૨૯ સપ્ટેમ્બર થી ૦૫ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ચાલનારા મેળામાં રાખવામાં આવેલ સ્ટોલ ઉપરથી ખરીદી કરી મહિલાઓને પ્રોત્સાહિત કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના હેતુથી સમગ્ર ગુજરાતમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા આ પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. આ આયોજન દ્વારા જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વ-સહાય જૂથો, મહિલા ખેડૂતો અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળશે. આ મેળો સ્થાનિક ઉત્પાદન અને ઉદ્યોગસાહસિકતા ઓ એવી લાખો મહિલાઓ માટે પ્રેરણાદાયી બની રહેશે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રમાં મોટા પાયે પરિવર્તન આવશે.
આ મેળામાં વિવિધ પ્રોડક્ટ્સના ૩૩ જેટલા સ્ટોલ અને ખાણીપીણી માટેના ૨ ફૂડ સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં આણંદ જિલ્લાના ૨૧ સ્ટોલ ઉપરાંત વડોદરા, મહીસાગર, ખેડા, દાહોદ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લાના ૧૨ સ્ટોલનો સમાવેશ થાય છે.
આ સમયે મેળાના પ્રારંભિક તબક્કે જ મંત્રી શ્રી અને મહાનુભાવોના હસ્તે 05 સખી મંડળોને કુલ રૂપિયા ૩૫.૭૯ લાખની કેશ ક્રેડિટનું વિતરણ કરવામાં આવ્યું છે, જે મહિલાઓના આર્થિક સશક્તિકરણની દિશામાં એક મહત્વનું કદમ છે.
ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં અગાઉ પણ આવા પ્રાદેશિક અને સ્વદેશી મેળાઓનું આયોજન થઈ ચૂક્યું છે. અગાઉના મેળાઓમાં મે-૨૦૨૫ના મેળામાં ૩૨.૯૪ લાખ અને માર્ચ-૨૦૨૪માં ૨૭.૦૮ લાખ રૂપિયાના વેચાણ થયું હતું.
આ વર્ષનો ‘સરસ મેળો’ ગ્રામીણ કારીગરો અને મહિલા ઉદ્યોગકારો માટે આર્થિક ઉન્નતિના નવા દ્વાર ખોલશે.










