MORBI:શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ

સંકલન બેઠક સાથે પ્રવાસન સમિતિ, પુરવઠા સલાહકાર સમિતિ અને આયોજન સહિતની બેઠકોમાં જિલ્લાની મહત્વની વિકાસલક્ષી સમીક્ષા કરાઈ

મોરબીમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ હતી. આ સાથે પ્રવાસન સમિતિ, પુરવઠા સલાહકાર સમિતિ અને જિલ્લા આયોજન સહિતની બેઠકો પણ યોજાઈ હતી, જ્યાં જિલ્લાના પ્રશ્નો અને વિકાસકામોની પ્રગતિ સહિત મહત્વની વિકાસલક્ષી સમીક્ષા કરાઈ હતી.
કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં મંત્રીશ્રીએ રોડ રસ્તા, નમો વન ૨.૦ (સાંસ્કૃતિક વન)ની પ્રગતિની સમીક્ષા, પર્યાવરણ જાળવણી, પાણી અને ગટર સહિતના કામોની પ્રગતિ અને જિલ્લાના પ્રશ્નો અંગે વિગતે ચર્ચા કરીને જરૂરી સૂચનો અને દિશા નિર્દેશો આપ્યા હતા. જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરતા તેમણે કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા સુચના આપી હતી.
જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લાની અલગ અલગ કચેરી માટે નવી જમીન ફાળવણી તથા સ્વાગત પોર્ટલ અને પીજી પોર્ટલ પર પેન્ડિંગ રહેલા તમામ પ્રશ્નોના ત્વરિત ઉકેલ આવે તે માટે જેતે વિભાગના અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત આઇટીઆઈ/કોલેજના વિદ્યાર્થીઓને યોગ્ય રોજગારની તકો મળે અને સાથે ઉદ્યોગ ક્ષેત્રે કુશળ કર્મયોગીઓ મળે તે બાબત પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.

પીએમ પોષણ યોજનાના સુચારુ અમલીકરણ અંગે મધ્યાન ભોજન અને અલ્પાહારની ખાદ્ય ગુણવતા, હેલ્થ ચેકઅપ અને આર્યન ફોલિક એસિડની ગોળીના વિતરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગીતાબેન દુબરીયા, વાંકાનેર ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, જિલ્લા કલેકટરશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષકશ્રી મીના, મોરબી નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નવલદાન ગઢવી, મોરબી ડેપ્યુટી કમિશનરશ્રી બ્રિજેશ કાલરીયા તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.













