MORBI:મોરબી વીમા કંપનીનો ક્લેઇમ નામંજૂર કરવાનો નિર્ણય અયોગ્ય ઠેરવી ગ્રાહક અદાલતે ₹૮.૮૦ લાખ ચૂકવવા આદેશ કર્યો

મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ મારફત ગ્રાહક અદાલતમાં દાખલ કરવામાં આવેલા કેસમાં ગ્રાહકની તરફેણમાં મહત્વનો ચુકાદો આવ્યો છે. ગ્રાહક અદાલતે પ્રેમેરીકા લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીને અરજદાર શારદાબેન નવલભાઈ વણપરીને ક્લેઇમની રકમ પેટે ₹૮,૮૦,૨૭૯/- ૯% વ્યાજ સાથે ચૂકવી આપવાનો આદેશ કર્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, મોરબીના રહીશ શારદાબેનના પતિ સ્વ. નવલભાઈ વણપરીએ આધાર ફાયનાન્સમાંથી મકાન લોન લીધી હતી. આ લોન સામે આધાર ફાયનાન્સ મારફત પ્રેમેરીકા લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી લેવામાં આવી હતી, જેમાં તમામ બીમારીઓ આવરી લેવામાં આવી હતી. નવલભાઈનું અવસાન થતાં તમામ જરૂરી દસ્તાવેજો સમયમર્યાદામાં રજૂ કરવા છતાં વીમા કંપનીએ કારણ વગર ક્લેઇમ નામંજૂર કર્યો હતો.
આ અન્યાય સામે શારદાબેને મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. ગ્રાહક અદાલતે નોંધ્યું હતું કે ગ્રાહકે નિયમિત પ્રીમિયમના ૩૫ હપ્તા ભર્યા હોવાથી પોલિસીની શરતો મુજબ વીમા કંપની ક્લેઇમ નકારી શકે નહીં. અદાલતે વીમા કંપનીને શારદાબેનને વીમા રકમ પેટે ₹૮,૮૦,૨૭૯/- (અંકે રૂપિયા આઠ લાખ એંસી હજાર બસો ઓગણએંસી) તથા ખર્ચ પેટે ₹૨,૦૦૦/-, ૯% વ્યાજ સહિત ચૂકવવાનો હુકમ કર્યો છે.
(નોંધ: કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરી શકે છે.)
પ્રમુખ લાલજીભાઈ મહેતા મો. નં. ૯૮૨૫૭ ૯૦૪૧૨ – ૨. ઉપ પ્રમુખ બળવંતભાઈ ભટ્ટ – મો. નં. ૯૩૨૭૪ ૯૯૧૮૫ – ૩. ઉપ પ્રમુખ હિતષભાઈ મહેતા – મો. નં. ૯૩૨૭૪ ૯૯૧૮૫ -૪. મંત્રી રામ મહેતા – મો. નં. ૯૯૦૪૭ ૯૮૦૪૮













