સાબરકાંઠા જિલ્લામાં પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસ માટે પ્રવાસન વિકાસ સમિતિની બેઠક યોજાઈ

સાબરકાંઠા જિલ્લામાં પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસ માટે પ્રવાસન વિકાસ સમિતિની બેઠક યોજાઈ
****

કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળો અને પવિત્ર યાત્રાધામોના વિકાસ માટે વિવિધ પાસાઓ અંગે સઘન ચર્ચા કરાઈ

હિંમતનગર, તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬:

સાબરકાંઠા જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રને વધુ સુવિધાસભર, આકર્ષક અને લોકોપયોગી બનાવવા તેમજ જિલ્લામાં આવેલા વિવિધ પ્રવાસન સ્થળો અને પવિત્ર યાત્રાધામોના સર્વાંગી વિકાસ માટે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પ્રવાસન વિકાસ સમિતિની બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં આવેલા ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક તથા પ્રાકૃતિક પ્રવાસન સ્થળોની વિકાસ સંભાવનાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને જિલ્લાના પવિત્ર યાત્રાધામોને વધુ સુવિધાસભર બનાવવા, યાત્રાળુઓ તથા પ્રવાસીઓને જરૂરી પાયાની સુવિધાઓ મળી રહે અને સ્થાનિક સ્તરે પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ મળે તે માટે વિવિધ વિકાસલક્ષી આયોજન અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને પ્રવાસન સ્થળોની સ્થળ સ્થિતિ, ઉપલબ્ધ સુવિધાઓ તથા જરૂરી વિકાસકાર્યો અંગે વિગતવાર માહિતી તૈયાર કરી પ્રાથમિકતા મુજબ વિકાસ આયોજન હાથ ધરવા સૂચના આપી હતી. પ્રવાસન સ્થળોના વિકાસમાં સંબંધિત વિભાગો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને અન્ય હિતધારકો વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લો ધાર્મિક આસ્થા, ઐતિહાસિક વારસો અને કુદરતી સૌંદર્યની દૃષ્ટિએ સમૃદ્ધ જિલ્લો છે. જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળો અને પવિત્ર યાત્રાધામોના સુઆયોજિત વિકાસથી સ્થાનિક તેમજ બહારના પ્રવાસીઓ માટે વધુ સારો પ્રવાસન અનુભવ ઉપલબ્ધ કરાવી શકાય અને જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રને નવી દિશા આપી શકાય તે અંગે બેઠકમાં સર્વસંમતિ વ્યક્ત કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ પી પટેલ, આયોજન અધિકારી શ્રી શૈલેષ પટેલ , સંબંધિત જિલ્લા અધિકારીઓ તથા પ્રવાસન વિકાસ સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો