ડાંગ જિલ્લાનાં સીતાવનમાં ખંડિત મૂર્તિ કાંડ વચ્ચે શબરીધામ મુદ્દે નવો વિવાદ..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

પેટા:-ડાંગના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીએ સંત અસીમાનંદ સામે કરેલા કથિત આક્ષેપોથી ખળભળાટ,સભામાં હાજર સાધુ-સંતો અને આગેવાનોની વચ્ચે નિવેદન, તાળીઓ પડતા મામલો ચર્ચામાં..

ડાંગ જિલ્લાના ગારખડી ગામના સીતાવન ખાતે ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરવાની ઘટનાને લઈને હિન્દૂ સમાજમાં રોષનો માહોલ હજુ યથાવત્ છે, ત્યારે આ મુદ્દે યોજાયેલી સભામાં શબરીધામને લઈને નવો વિવાદ સામે આવ્યો છે.ડાંગના વાસુર્ણાનાં રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીએ શબરીધામના સંત અસીમાનંદ સામે જાહેરમાં કરેલા કથિત આક્ષેપોને પગલે ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.ડાંગ જિલ્લાનાં સીતાવન ખાતે અજાણ્યા ઈસમ દ્વારા ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરવામાં આવ્યા બાદ હિન્દૂ સંગઠનો દ્વારા ગારખડી ગામના હનુમાન મંદિર ખાતે સંમેલન યોજાયું હતુ. ગત શનિવારે યોજાયેલા આ સંમેલનમાં સાધુ-સંતો, હિન્દૂ સંગઠનોના આગેવાનો તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરી મૂર્તિઓ ખંડિત કરનાર તત્વોને તાત્કાલિક ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.આ સભામાં ડાંગના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીએ સીતાવનની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ડાંગમાં તેમના પૂર્વજો હળીમળીને રહેતા આવ્યા હોવાનું જણાવી તેમણે આવી ઘટનાઓ શા માટે બની રહી છે તે અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.સાથે જ સ્થાનિક પોલીસ તંત્ર તથા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર વિશ્વાસ વ્યક્ત કરી આરોપી ઝડપાઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે ડાંગમાં 311 હનુમાન મંદિરનો સંકલ્પ કરનાર પી.પી. સ્વામીએ પણ સમગ્ર મામલે શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવાની વાત કરી હતી.આ દરમિયાન સભાને સંબોધતા ડાંગના રાજવી ધનરાજસિંહે શબરીધામના સંત અસીમાનંદને લઈને કટાક્ષ કરતાં કેટલાક કથિત આક્ષેપો કર્યા હતા. રાજવીએ એવો દાવો કર્યો હોવાનું સામે આવ્યું છે કે ડાંગના હિન્દૂ સંગઠનોને શબરીધામ ખાતે ધાર્મિક કાર્યક્રમો કરવા દેવામાં આવતા નથી અને કેટલાક લોકો માત્ર આર્થિક લાભ મેળવવાના હેતુથી ડાંગમાં આવ્યા છે.રાજવીએ વધુમાં માત્ર ભગવો ધારણ કરવાથી સંત બની જવાતું નથી તેવી ટિપ્પણી કરી આવા લોકોને ડાંગમાંથી જાકારો આપવાની વાત કરી હતી.આ નિવેદન દરમિયાન સભામાં ઉપસ્થિત લોકો તરફથી તાળીઓના ગડગડાટ સાથે પ્રતિસાદ મળ્યો હોવાની ચર્ચા છે.રાજવીના આ સમગ્ર નિવેદનની વિડિયો ક્લિપ પણ ચર્ચામાં આવી છે.જોકે, રાજવી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે સંત અસીમાનંદ અથવા શબરીધામ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ તે અંગે સ્પષ્ટતા થવી બાકી છે.રાજવીના નિવેદનના અહેવાલો બીજા દિવસે અખબારોમાં પ્રસિદ્ધ થયા બાદ શબરીધામ સાથે સંકળાયેલા સમર્થકોમાં નારાજગી ફેલાઈ હોવાની ચર્ચા શરૂ થઈ હતી.રાજવી પોતાના નિવેદન અંગે જાહેરમાં માફી માંગે અને મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરે તે માટે તેમને સમજાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની પણ ચર્ચા છે. જોકે, રાજવી ધનરાજસિંહ પોતાના નિવેદન પર અડગ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.સીતાવન ખાતે ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરનાર આરોપીઓને ઝડપી કડક સજા કરવાની માંગ સાથે યોજાયેલી સભામાં જ શબરીધામના સંતને લઈને નવો વિવાદ ઉભો થતાં ડાંગના ધાર્મિક અને સામાજિક ક્ષેત્રમાં ચર્ચાએ જોર પકડ્યું છે.હવે એક તરફ સીતાવન કાંડના આરોપીઓને ઝડપી પાડવાનો પડકાર પોલીસ સમક્ષ છે, તો બીજી તરફ શબરીધામને લઈને થયેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપથી ઉભી થયેલી સ્થિતિ શાંતિપૂર્ણ રીતે થાળે પાડવાનો પડકાર પણ તંત્ર અને સમાજના આગેવાનો સામે ઊભો થયો છે. ડાંગની શાંતિ અને સામાજિક એકતા જળવાઈ રહે તે માટે આક્ષેપોને બદલે હકીકતો જાહેર કરી બંને પક્ષો દ્વારા સંયમ જાળવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો