સુરત જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈ: ₹૧૦૮ કરોડના ૧૪૩ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, ગ્રામ્ય વિસ્તારોમાં રોડ, આરોગ્ય અને આધુનિક શિક્ષણ સુવિધાઓને મળશે નવી ગતિ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિકાસકાર્યોનો શુભારંભ, આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિ | સમીરભાઈ મોદીએ ગ્રામ્ય વિકાસ અને ઇ-કક્ષા બસની પહેલને આવકારી

 

સુરત: સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની નવી દિશા ખોલતા જિલ્લા પંચાયતના રૂ. ૧૦૮ કરોડના ખર્ચે હાથ ધરાયેલા ૧૪૩ વિકાસ પ્રકલ્પોનું નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ, આરોગ્ય સેવાઓ અને જનસુવિધાઓને વધુ મજબૂત બનાવવા સાથે શિક્ષણ ક્ષેત્રે આધુનિક સુવિધાઓ પહોંચાડવાની દિશામાં આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થશે.

 

આ પ્રસંગે ગ્રામ્ય વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી આધારિત શિક્ષણ મળી રહે તે હેતુથી જિલ્લા પંચાયત અને ટોયોટા કંપનીના સહયોગથી ‘ડિજિટલ ક્લાસરૂમ્સ ઓન વ્હીલ’ પહેલ હેઠળ ઇ-કક્ષા બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ ઇકો-ફ્રેન્ડલી મોબાઇલ કમ્પ્યુટર ક્લાસરૂમના માધ્યમથી સુરત જિલ્લાના પાંચ બ્લોકની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને કમ્પ્યુટર તાલીમ આપવામાં આવશે. આયોજન મુજબ દર મહિને ૧૦થી ૧૫ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને આ પહેલનો લાભ મળશે. આ પ્રયાસથી ગ્રામ્ય વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણની તક મળશે અને ટેકનોલોજી સાથે જોડાવા માટે નવું પ્લેટફોર્મ ઉપલબ્ધ બનશે.

 

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની હકારાત્મક નીતિઓના કારણે નવરાત્રીનો તહેવાર રાજ્યના લાખો નાના વેપારીઓ અને વ્યવસાયીઓ માટે ધંધા-રોજગારની દૃષ્ટિએ દિવાળી સમાન અનુકૂળ અવસર બન્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે જાહેર પ્રકલ્પો અને સુવિધાઓ સમાજની સહિયારી મિલકત છે, તેથી તેની જાળવણી અને સ્વચ્છતા જાળવવી એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે.

 

આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ તથા પાયાના માળખાકીય સુવિધાઓનું નિર્માણ રાજ્ય સરકારની પ્રાથમિકતા હોવાનું જણાવ્યું હતું. તેમણે ટીબી મુક્ત અભિયાન, કુપોષણ નાબૂદી તથા માતૃ-બાળ મૃત્યુદરમાં ઘટાડા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો અને પ્રાપ્ત થયેલી સફળતાઓનો ઉલ્લેખ કર્યો હતો.

 

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સમીરભાઈ મોદીએ જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ, રોડ-રસ્તા અને અન્ય આવશ્યક જનસુવિધાઓ વધુ સુદૃઢ બનશે. સાથે જ મોબાઇલ કમ્પ્યુટર ક્લાસરૂમની સુવિધા ધરાવતી ઇકો-ફ્રેન્ડલી ઇ-બસના માધ્યમથી આધુનિક શિક્ષણ ગ્રામ્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકાશે. આ મહત્વપૂર્ણ પહેલ બદલ તેમણે ટોયોટા કંપનીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

 

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ સાથે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણની તક ઉપલબ્ધ કરાવતી આ પહેલથી વિકાસને નવી ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. માર્ગો, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓને મજબૂત બનાવતા આ પ્રકલ્પો ગ્રામ્ય જનજીવનને વધુ સુવિધાસભર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

 

આ કાર્યક્રમમાં સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યો ગણપતભાઈ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, મુકેશભાઈ પટેલ, સંદીપભાઈ દેસાઈ, મોહનભાઈ ઢોડિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ઉમેદભાઈ ચૌધરી, કારોબારી સમિતિના અધ્યક્ષ બ્રિજેશ પટેલ, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીના, ટોયોટા કંપનીના જનરલ મેનેજર (એક્સટર્નલ અફેર્સ) દિપાંજન બેનર્જી, જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ સહિત વિવિધ સમિતિના અધ્યક્ષો, પદાધિકારીઓ, અધિકારીઓ, જિલ્લા પંચાયતના સભ્યો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત

53
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો