
સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે તાપી જિલ્લાના વ્યારા સ્થિત રમતગમત સંકુલ, મુસા રોડ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની અંડર-14 નેટબોલ સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લાની કન્યા ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જિલ્લાનું નામ રોશન કર્યું હતું. આ ટીમમાં બોડેલી તાલુકાની બામરોલી-વા પ્રાથમિક શાળા તેમજ નસવાડી તાલુકાની પોચંબા અને રાયસીંગપુરા પ્રાથમિક શાળાની પ્રતિભાશાળી દીકરીઓએ સંયુક્ત રીતે છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ટીમના મુખ્ય કોચ નટવરસિંહ ચૌહાણ, CRC કો-ઓર્ડિનેટર, વાલોઠી અને સહ-માર્ગદર્શક અનિલભાઈ પટેલ, વ્યાયામ શિક્ષક, પોચંબા પ્રાથમિક શાળાના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ નેટબોલનાં ટેકનિકલ કૌશલ્યો, રમતની વ્યૂહરચના અને શારીરિક ફિટનેસ માટે સઘન તૈયારી કરી હતી. ટીમની કેપ્ટન અને વિંગ એટેકર સ્નેહાબેનના નેતૃત્વમાં પ્રિયંકાબેન, ખુશીબેન, મમતાબેન, કિંજલબેન, વૈભવીબેન, રીયાબેન, વિશાબેન, મનિષાબેન, અક્ષરાબેન, અસ્મિતાબેન અને નિશાનબેને રાજ્ય કક્ષાના મેદાન પર પોતાની રમતકૌશલ્ય અને ખેલદિલીનું પ્રદર્શન કર્યું હતું. ગ્રામીણ વિસ્તારની દીકરીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈને પોતાની પ્રતિભા દર્શાવી હતી, જેની પાછળ કોચ નટવરસિંહ ચૌહાણ અને અનિલભાઈ પટેલની મહેનત તથા માર્ગદર્શન મહત્ત્વપૂર્ણ રહ્યાં હતાં. સ્પર્ધામાંથી પરત ફરેલી ટીમના ખેલાડીઓ અને કોચને શાળા પરિવાર, ગ્રામજનો તથા વડીલો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં અને ભવિષ્યમાં પણ રમતગમત ક્ષેત્રે આવી જ સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

રિપોર્ટર તોસીફ ખત્રી










