વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૦૬ ઓક્ટોબર : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના જીયાપર ગામ ખાતે વિભાગીય સંશોધન કેન્દ્ર,સ.દા.કૃ.યુ.,ભચાઉ હસ્તક ચાલતી “ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી” યોજના અંતર્ગત વેલસ્પન ફાઉન્ડેશનના સહયોગથી તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ “પ્રાકૃતિક ખેતી થી પ્રોસેસિંગ” વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત રાજ પરવાડિયા, સિનિયર રિસર્ચ ફેલો દ્વારા સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. તેમણે ઉપસ્થિત ખેડૂતોને યુનિવર્સિટી ના સંશોધન, વિસ્તરણ, શિક્ષણ અને કેન્દ્ર દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી.ત્યારબાદ ડૉ. આર. એમ. જાડેજા, સહ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા પ્રાકૃતિક કૃષિના વૈજ્ઞાનિક અભિગમ અને વિકસતા ખ્યાલો અંગે નિષ્ણાત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન તેમણે દાડમ , કેરી, લસણ, ટમેટા, ગુવાર, સરગવાના પાંદડા અને લીમડાના પાંદડાનું મૂલ્યવર્ધન કરવાની વિવિધ વ્યવહારુ પદ્ધતિઓનું નિદર્શન કરીને ખેડૂતોને કૃષિ પેદાશોમાંથી વધારાની આવક ઊભી કરવાની તકો અંગે સમજ આપી હતી. સાથે જ, કચ્છમાં આગામી સમયમાં અમલમાં આવનારા ફૂડ પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન આધારિત વિવિધ પ્રોજેક્ટોમાં ખેડૂતો સક્રિયપણે જોડાઈ પોતાની કૃષિ પેદાશોનું મૂલ્યવર્ધન કરી વધુ આવક મેળવી શકે તે અંગે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત ડૉ. એન. આર.બુંબડિયા, સહ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા ક્ષારીય જમીનમાં પોષણ વ્યવસ્થાપન અંગે તકનીકી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જમીનની પીએચ (PH), ઇસી (EC) અને સેન્દ્રિય કાર્બન (OC)નું ખેતીમાં મહત્વ સમજાવ્યું હતું.ત્યારબાદ ડૉ. ભવ્યરાજસિંહ બી. વાઘેલા, મદદનીશ પ્રાધ્યાપક દ્વારા એરંડા, કપાસ અને દાડમ પાકમાં પ્રાકૃતિક ખેતીના આયામો દ્વારા સંકલિત જીવાત અને રોગ વ્યવસ્થાપન અંગે તકનીકી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે મુખ્ય જીવાતો અને રોગોની ઓળખ, નિયમિત પાક નિરીક્ષણ તથા સમયસર અને જરૂરિયાત આધારિત નિયંત્રણ પગલાંના મહત્વ અંગે સમજ આપી હતી. આખરે મનીષ ધાંધલા દ્વારા વેલસ્પન ફાઉન્ડેશનના મિશન, ઉદ્દેશ્યો, મુખ્ય પ્રવૃત્તિઓ તેમજ ટકાઉ કૃષિ વિકાસ અને ખેડૂતોના આર્થિક સશક્તિકરણ માટે હાથ ધરવામાં આવતી વિવિધ પહેલો અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ તાલીમ કાર્યક્રમમાં આશરે ૧૮૦ ખેડૂતોએ સક્રિયપણે ભાગ લીધો હતો. ખેડૂતોને કૃષિ નિષ્ણાતો સાથે સીધો સંવાદ કરવાની તક મળી હતી, જેમાં તેમણે પોતાના ખેતરલક્ષી પ્રશ્નો રજૂ કરી તેમના વ્યવહારુ ઉકેલો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.









