MORBI:મોરબીના મિલેનીયા સીરામીક કારખાનામાંથી તસ્કર રૂ. ૫.૮૦ લાખની રોકડ ચોરી ફરાર: પોલીસ ફરિયાદ દાખલ

મોરબીના ભડીયાદ રોડ પર આવેલ મિલેનીયા સીરામીક નામના કારખાનાની ઓફિસમાંથી બારીના કાચ તોડી અંદર પ્રવેશેલા એક તસ્કરે કબાટના ડ્રોઅરમાંથી રૂ. ૫.૮૦ લાખની રોકડ રકમની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

ઘટનાની વિગતો અનુસાર, મોરબીના રવાપર રોડ પર એવન્યુ પાર્કમાં રહેતા નરભેરામભાઇ ઉર્ફે રામભાઇ પરસોતમભાઇ નારણીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ભડીયાદ રોડ રેલ્વે ફાટક પાસે તેમનું ‘મિલેનીયા સીરામીકા’ નામનું ભાગીદારીમાં કારખાનું આવેલું છે.
ગત તારીખ ૧૫/૧૦/૨૦૨૬ના રોજ રાત્રિના આશરે ૧૧:૩૦ વાગ્યાના સુમારે ૨૫ થી ૩૦ વર્ષની વયનો એક અજાણ્યો શખ્સ કારખાનામાં ગેરકાયદે પ્રવેશ્યો હતો. તસ્કરે એકાઉન્ટ ઓફિસની બારીના કાચ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ટેબલ પાછળ રહેલા કબાટના ડ્રોઅરમાં અણીદાર વસ્તુ વડે લોક તોડી નાખ્યું હતું. ત્યારબાદ ડ્રોઅરમાં રાખેલા રોકડા રૂ. ૫,૮૦,૦૦૦ ચોરીને તે ફરાર થઈ ગયો હતો.
બનાવ અંગે નરભેરામભાઇની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે ફરાર તસ્કરને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.














