MORBI:મોરબી અનાથ દીકરીઓ માટે ઓમશાંતિ વિદ્યાલયની અનોખી પહેલ: ૭૬ વર્ષીય ટી.ડી. પટેલેએ ૪૫ દીકરીઓને કરાવ્યો નિઃશુલ્ક સૌરાષ્ટ્ર પ્રવાસ

મોરબી સ્થિત ‘વિકાસ વિદ્યાલય’ની અનાથ અને નિરાધાર દીકરીઓ માટે મોરબીની ઓમશાંતિ વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ટી.ડી. પટેલસરે એક પ્રેરણાદાયી અને સંવેદનશીલ પહેલ કરી છે. શાળામાં ધોરણ ૧ થી ૧૨ સુધી વિનામૂલ્યે અભ્યાસ કરતી આ સંસ્થાની ૮૦ દીકરીઓ પૈકી ધોરણ ૭ થી ૧૨ની ૪૫ દીકરીઓ માટે ત્રણ દિવસ અને બે રાત્રિના ભવ્ય નિઃશુલ્ક સૌરાષ્ટ્ર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

પિતાતુલ્ય વાત્સલ્ય: ૭૬ વર્ષની વયે ખુદ સાથે રહ્યા ટ્રસ્ટી
દીકરીઓએ પ્રવાસે જવાની ઈચ્છા વ્યક્ત કરતા જ ટી.ડી. પટેલસરે તેને સહર્ષ સ્વીકારી સ્લીપર બસ સહિતની સુવિધા સાથે પ્રવાસનું આયોજન કર્યું હતું. ૭૬ વર્ષની ઉંમરે પણ તેઓ જાતે આ પ્રવાસમાં જોડાયા હતા અને દીકરીઓની સુખ-સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. દીકરીઓને કોઈ કમી ન રહે તે માટે નાસ્તો, આઈસ્ક્રીમ, નાળિયેર પાણી ઉપરાંત પ્રત્યેક દીકરીને વ્યક્તિગત ખર્ચ માટે રૂ. ૫૦૦ની પોકેટમની પણ આપી હતી.
સૌરાષ્ટ્રના ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની લીધી મુલાકાત
ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન દીકરીઓએ:જૂનાગઢ ખાતે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લીધી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી.
દીવના નાગવા બીચ ખાતે દરિયાકિનારાની મજા માણી.તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ તથા ખોડિયાર ધોધની મુલાકાત લીધી.આંબરડી સફારી પાર્ક ખાતે સિંહ, દીપડા સહિતના વન્યજીવો નિહાળી રોમાંચક અનુભવ મેળવ્યો.
યાત્રાના અંતિમ ચરણમાં સતાધાર અને કાગવડ સ્થિત ખોડલધામના દર્શન કર્યા.
શાળા પરિવારે સંભાળી સમગ્ર વ્યવસ્થા – દીકરીઓની સુરક્ષા અને સંભાળ માટે શાળાના આચાર્ય સંજય આર. વિરડીયા, મનીષાબેન ગૌસ્વામી, સેજલબેન ડાભી, વિરેનભાઈ દવે તેમજ ભોજન વ્યવસ્થા માટે રૂપાબેન ચૌહાણ, ચંદ્રિકાબેન પરમાર અને હંસાબેન બદરકીયાએ પ્રવાસ દરમિયાન ખડેપગે સેવા આપી હતી.માતા-પિતાની જેમ હૂંફ અને પ્રેમ આપી કરાવવામાં આવેલો આ પ્રવાસ દીકરીઓ માટે આજીવન સંભારણું બની રહ્યો છે.











