આણંદ જિલ્લામાં દિવાળીના તહેવારો પૂર્વે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય એકમો પર સઘન તપાસ હાથ ધરાઈ*

આણંદ જિલ્લામાં દિવાળીના તહેવારો પૂર્વે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય એકમો પર સઘન તપાસ હાથ ધરાઈ*

 

તાહિર મેમણ – આણંદ -:03/10/2026 – દિવાળીના પર્વ નિમિત્તે નાગરિકોને શુદ્ધ, સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાદ્યચીજો ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે આણંદ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તહેવારની સીઝનમાં મીઠાઈ અને ફરસાણની વધતી જતી માંગને ધ્યાને રાખીને સમગ્ર જિલ્લામાં ખાદ્યચીજોના ઉત્પાદન અને વેચાણ કરતા એકમો પર સઘન તપાસની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ તપાસ અભિયાન દરમિયાન બજારમાં વેચાતી ખાદ્યસામગ્રીની શુદ્ધતાની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.

 

છેલ્લા એક અઠવાડિયા દરમિયાન આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો દ્વારા કુલ ૫૩ જેટલા ખાદ્યપદાર્થોના શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ કામગીરી અંતર્ગત વિવિધ પ્રકારની મીઠાઈઓ, બરફી, માવો, નમકીન, મઠિયા, ચોરાફળી અને મુખવાસ જેવી વસ્તુઓના નમૂના એકત્ર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, મીઠાઈ અને નમકીનના ઉત્પાદનમાં વપરાતા કાચા માલ એટલે કે રો-મટીરિયલ્સની ગુણવત્તા પણ ચકાસવામાં આવી છે. લેવામાં આવેલા આ તમામ નમૂનાઓને સત્તાવાર વિશ્લેષણ માટે સરકારી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે, જેના રિપોર્ટના આધારે આગામી કાર્યવાહી નક્કી કરવામાં આવશે.

 

આ તપાસ અભિયાનમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ વાન દ્વારા સ્થળ પર જ પરીક્ષણ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ કુલ ૮૨ જેટલા ઓન-ધ-સ્પોટ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને માવાની શુદ્ધતા અને મીઠાઈઓ પર લગાડવામાં આવતી ચાંદીની વરખની ગુણવત્તાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. વધુમાં, ફરસાણ બનાવવામાં વારંવાર ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલની ગુણવત્તા માપવા માટે TPC (ટોટલ પોલર કમ્પાઉન્ડસ) મીટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી પુનઃઉપયોગમાં લેવાતા તેલથી થતા નુકસાનને અટકાવી શકાય.

 

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર તહેવાર દરમિયાન ખાદ્યપદાર્થોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણના સ્થળોએ સ્વચ્છતાના ધોરણોનું પાલન કરવું અનિવાર્ય છે. જો કોઈ પણ એકમ ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ-૨૦૦૬ હેઠળના નિયમોનું ઉલ્લંઘન કરતું જણાશે અથવા ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનું વેચાણ કરતું પકડાશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને સર્વોપરી ગણીને ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ તપાસ અને નમૂના લેવાની આ પ્રક્રિયા અવિરતપણે ચાલુ રાખવામાં આવશે તેમ વધુમાં જણાવવામાં આવ્યું છે.

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો