MORBI મોરબી નવયુગ પરિવારના બે પ્રતિભાસંપન્ન શિક્ષકોની કેળવણી નિરીક્ષક તરીકે વરણી

મોરબી:શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર અને અવિરત મહેનત કરનાર મોરબીના બે પ્રબુદ્ધ શિક્ષકોની કેળવણી નિરીક્ષક તરીકે પસંદગી થતાં શિક્ષણ જગતમાં આનંદની લહેર દોડી ગઈ છે. શ્રી નિલેશભાઈ કૈલાની ટંકારા તાલુકાના અને શ્રી દીપકભાઈ જીવાણીની મોરબી તાલુકાના કેળવણી નિરીક્ષક તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
શ્રી નિલેશભાઈ કૈલાની પ્રેરણાદાયી સફર:
વર્ષ ૨૦૦૪માં ધોરણ ૮ થી ૧૦ ના ટ્યુશન વર્ગોથી પોતાની શિક્ષણયાત્રા શરૂ કરનાર શ્રી નિલેશભાઈ કૈલાએ વર્ષ ૨૦૦૭માં ‘શ્રી નવસર્જન ખાનગી શાળા’ની સ્થાપના કરી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૧માં વાંકાનેર તાલુકાની જામસર તાલુકા શાળામાં ગણિત-વિજ્ઞાનના શિક્ષક તરીકે સરકારી સેવા શરૂ કરી. વર્ષ ૨૦૧૪માં એચ.ટેટ. (HTAT) પરીક્ષા ઉત્તીર્ણ કરી તેમણે મોરબી તાલુકાની બાજીરાજબા કન્યા શાળામાં આચાર્યપદ સંભાળ્યું હતું.

તેમના માર્ગદર્શન હેઠળ હાલ આ શાળામાં ૪૬૫ દીકરીઓ અભ્યાસ કરી રહી છે અને આ શાળા કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠિત ‘પીએમ શ્રી’ (PM SHRI) યોજના અંતર્ગત પણ પસંદ પામી છે. શિક્ષણ ક્ષેત્રે તેમનું યોગદાન હંમેશાં પ્રેરણાદાયી રહ્યું છે.
શ્રી દીપકભાઈ જીવાણીની ઉત્કૃષ્ટ સિદ્ધિ:
નવયુગ પરિવારના ભૂતપૂર્વ શિક્ષક રહી ચૂકેલા શ્રી દીપકભાઈ જીવાણીની આ સિદ્ધિ સમગ્ર સંસ્થા માટે ગૌરવવંતી છે. વિદ્યાર્થીઓના મનમાંથી ગણિત વિષયનો ડર દૂર કરી, તેમાં રસ જગાવવાની તેમની આગવી શિક્ષણશૈલી આજે પણ સૌ કોઈને યાદ છે. નવયુગ પરિવાર દ્વારા તેમને ‘શ્રેષ્ઠ શિક્ષક’ તરીકે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
નવયુગ પરિવાર દ્વારા ઉષ્માભેર અભિનંદન:
આ બંને શિક્ષકોની ગૌરવપ્રદ સિદ્ધિ બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી તથા પ્રમુખ શ્રી પી. ડી. કાંજીયા દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
સંસ્થાએ જણાવ્યું હતું કે, “સંબંધોથી જોડાયેલા સ્વજન અને સાથે કાર્ય કરી ચૂકેલા આ બંને શિક્ષકોની પ્રગતિ એ નવયુગ પરિવાર માટે પોતાની સફળતા જેવો જ આનંદ છે. આપ બંનેની વર્ષોની મહેનત, અનુભવ અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠાનું આ સુંદર પરિણામ છે.”
સમગ્ર નવયુગ પરિવાર અને સ્નેહીજનો દ્વારા શ્રી નિલેશભાઈ કૈલા અને શ્રી દીપકભાઈ જીવાણી પોતાની નવી જવાબદારીઓમાં શિક્ષણની ગુણવત્તા વધારવામાં, શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવામાં સફળ રહે તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.












