તારીખ ૦૧/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
રાજ્યભરમાં ચર્ચાનો વિષય બનેલા “ગુજરાત ભાડા વિધેયક 2026” ના વિરોધમાં હવે કાલોલ વકીલ મંડળ પણ મેદાને આવ્યું છે. નવા ભાડા કાયદાથી પક્ષકારો અને વકીલોને ભારે તકલીફ પડશે તેવા આક્ષેપ સાથે કાલોલ બાર એસોસિએશને કોર્ટ કામકાજનો બહિષ્કાર કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
આજરોજ તારીખ ૦૧/૧૦/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કાલોલ વકીલ મંડળની જનરલ મીટીંગ મળી હતી. જેમાં કાલોલ બાર એસોશીએશન પ્રમુખ એચ. એ. ગોહિલ સહિત બાર એસોશીએશનના હોદ્દેદારો, જનરલ કારોબારી સભ્યો તથા બારના સભ્યઓ મોટી સંખ્યામાં હાજર રહેતા કોરમ થયું હતું અને સર્વાનુમતે નીચે મુજબનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જ્યાં ઠરાવમાં જણાવ્યા મુજબ, ગુજરાત ભાડા વિધેયક 2026 ના કારણે ગુજરાત રાજ્યમાં પક્ષકારો તેમજ વકીલઓને ખૂબ જ તકલીફ પડે તેવા સંજોગો ઉભા થયા છે. જેથી આ નવા કાયદાનો વિરોધ કરવા તથા કાયદામાં જરૂરી સુધારા કરવા માટે અમદાવાદ સીટી સિવીલ કોર્ટ બાર એસોસિએશન તથા અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશન દ્વારા જે લડત શરૂ કરવામાં આવી છે.તેના સમર્થનમાં રાજ્યના અન્ય વકીલ મંડળો પણ જોડાયા છે. ત્યારે આ લડતને સંપૂર્ણ સમર્થન આપતા કાલોલ વકીલ મંડળ દ્વારા પણ તારીખ ૦૧/૧૦/૨૦૨૬ અને તારીખ ૦૩/૧૦/૨૦૨૬ ના રોજ કોર્ટ કામકાજથી અળગા રહેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.આ દિવસો દરમિયાન વકીલો તથા પક્ષકારો સમયસર નામદાર કોર્ટ સમક્ષ હાજર રહી શકે તેમ ન હોવાથી, કાલોલ વકીલ મંડળે નામદાર કોર્ટને નમ્ર અરજ કરી છે કે પક્ષકારો અને વકીલોની ગેરહાજરી દરગુજર કરવામાં આવે અને ન્યાયિક કાર્યવાહીમાં કોઈ વોરંટ કે અન્ય કાર્યવાહી ન કરવામાં આવે તેમજ વકીલઓના કેસને નુકસાન ન થાય તે માટે જે-તે કામ જે-તે સ્ટેજ પર રાખવામાં આવે.











