UPSC-GPSC સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને રોજગારલક્ષી પ્રવૃત્તિઓને મળશે નવો વેગ
બીજા સ્લેબના નિર્માણની તૈયારીઓ પૂર્ણતાના આરે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સામાજિક ઉત્થાન, શિક્ષણ અને રોજગારના સંકલ્પ સાથે કાર્યરત ‘અર્પણ ફાઉન્ડેશન’ સફળતાપૂર્વક સાત વર્ષ પૂર્ણ કરી આઠમા વર્ષમાં પ્રવેશ્યું છે. ૨ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ સ્થપાયેલી આ સંસ્થા સામાજિક સેવા અને શૈક્ષણિક વિકાસના ક્ષેત્રે સતત આગળ વધી રહી છે.
સંસ્થા દ્વારા અનુસૂચિત જાતિ સમાજના વિકાસ અર્થે વિશાળ ભવનનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આશરે ૮૫૦૦ ચોરસ મીટર વિસ્તારમાં આકાર લઈ રહેલા ભવનના બીજા સ્લેબની તૈયારીઓ હાલ પૂર્ણતાના આરે છે. આગામી સમયમાં આ સંકુલ યુવાનો માટે શિક્ષણ અને પ્રગતિનું મુખ્ય કેન્દ્ર બનશે.
ભવિષ્યના આયોજન અંગે ફાઉન્ડેશન દ્વારા જણાવાયું છે કે અહીંથી UPSC, GPSC સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન અને સહયોગ પૂરો પડાશે. આ ઉપરાંત યુવાનો માટે કૌશલ્ય વિકાસ અને રોજગારલક્ષી કાર્યક્રમો તેમજ સામાજિક જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવશે.
સહયોગીઓ અને સભ્યોના સાથ-સહકારથી આગળ વધી રહેલા આ સંગઠને સ્થાપના દિવસે સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમયમાં આ સંસ્થા શિક્ષણ, રોજગાર અને સર્વાંગી સામાજિક પ્રગતિનું મોટું કેન્દ્ર બનશે.











