વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક શુક્રવારે બપોરે ૧૨ વાગ્યે મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે સ્થાયી સમિતિના અધ્યક્ષ મુકેશ અગ્રવાલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ, નાગરિક સુવિધાઓ, સ્વચ્છતા, રસ્તાઓ, વહીવટી વ્યવસ્થાઓ અને નગર આયોજનને લગતી આશરે ૨૫ જેટલી વિવિધ દરખાસ્તો પર ચર્ચા-વિચારણા કરી મંજૂરી આપવામાં આવી હતી.
બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય (IAS), નાયબ મ્યુનિસિપલ કમિશનર જે.યુ. વસાવા, સેક્રેટરીશ્રી, વિવિધ વિભાગોના અધિકારીઓ તથા સ્થાયી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં મહાનગરપાલિકાની માલિકીની દુકાનો અને ઓફિસો બેંક ઓફ બરોડાની જલાલપોર શાખાને ભાડે આપવા, વર્ગ-૩ની ભરતી માટે CBT/CPT/OMR પરીક્ષા યોજવા એજન્સીની નિમણૂક, વિવિધ સરકારી કાર્યક્રમો અને ઉત્સવો માટે ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સીની નિમણૂક તેમજ વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની કામગીરીને મંજૂરી આપવામાં આવી હતી.
શહેરના રસ્તા વિકાસ અંતર્ગત વોર્ડ નં. ૮માં આશાપુરી મંદિરથી શ્રીશુભા સર્કલ સુધી સી.સી. પેવર બ્લોક રોડ તથા વોર્ડ નં. ૧૩ના ગણદેવી મેઈન રોડ પર આર.સી.સી. પેવર બ્લોકની કામગીરીને બહાલી આપવામાં આવી હતી. ચોમાસા દરમિયાન રસ્તાઓ પર પડેલા ખાડા પૂરવા બીટુમીન પેચવર્ક અને વેટમિક્ષની કામગીરી તેમજ સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૬-૨૭ અંતર્ગત વિવિધ GVP પોઇન્ટ પર બ્લેક પેવરિંગની કામગીરીને પણ મંજૂરી અપાઈ હતી.
આ ઉપરાંત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, મહાનગરપાલિકાની કચેરીઓના આધુનિકીકરણ, ફર્નિચર અને સભાખંડના રિનોવેશન, કર્મચારીઓના પેન્શન અને ગ્રેચ્યુઇટી સહિતના નિવૃત્તિ લાભોની ચૂકવણી અંગે પણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળાના આયોજન માટેનો ખર્ચ, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ગણેશ વિસર્જન સ્થળોએ કેનોપી વ્યવસ્થા તેમજ જય શંકર પાર્ટી પ્લોટ પાસે આવેલા સિવિક સેન્ટરના હોલમાં રમતગમત અને સ્વરક્ષણ તાલીમ માટે ભાડે ફાળવણી અંગેની દરખાસ્તોને પણ મંજૂરી આપવામાં આવી હતી.
નગર આયોજન સંબંધિત બાબતોમાં નગર રચના યોજના નં. ૦૩ના ગણદેવી રોડ પૂર્વ-તીથરા વિસ્તારમાં સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જમીન અનામત રાખવા તેમજ નગર રચના યોજના નં. ૦૧ અને ૦૩માં અનામત જમીનના હેતુફેર અંગેની દરખાસ્તો પર કાર્યવાહી કરવામાં આવી હતી. વોર્ડ નં. ૧૧ના વિજયલપોર-રામનગર વિસ્તારમાં આવેલા રામનગર સર્કલનું નામ બદલી ભગવાન શ્રી રામચંદ્રજી સર્કલ રાખવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી.
આ ઉપરાંત સાધના પ્રકાશનને જાહેરાત આપવા સહિતની અન્ય વહીવટી દરખાસ્તો અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સ્થાયી સમિતિની આ બેઠકમાં શહેરના માળખાકીય વિકાસને વેગ આપવા, નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, સ્વચ્છતા વ્યવસ્થામાં સુધારો લાવવા અને મહાનગરપાલિકાની વહીવટી કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવાના હેતુથી વિવિધ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.








