MORBI:મોરબી માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા ભવ્ય બાઈક રેલીનું આયોજન, ટ્રાફિક નિયમોના પાલન માટે લીધા શપથ


મોરબી:માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવા અને નાગરિકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત એક વિશાળ જાગૃતિ બાઈક રેલી યોજવામાં આવી હતી.
આ રેલી મોરબી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર ફરીને ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સંપન્ન થઈ હતી. રેલી દરમિયાન પોલીસ અધિકારીઓ અને જવાનોએ હાથમાં ટ્રાફિક અવેરનેસના સ્લોગન દર્શાવતા બેનરો રાખી લોકોને ટ્રાફિક નિયમોના પાલન માટે અનુરોધ કર્યો હતો.

પોલીસ જવાનોએ લીધા શપથ- રેલીના પ્રારંભ પૂર્વે ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ એક સાથે હાથ લંબાવીને ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરવાના શપથ લીધા હતા. જેમાં:
ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું.- ફોર-વ્હીલર ચલાવતી વખતે સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવો.- વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો. – વાહન હંમેશાં સારી કન્ડિશનમાં રાખવું. – ક્યારેય પણ રોંગ સાઈડમાં વાહન ન ચલાવવું.- પોલીસ અધિકારીનો નાગરિકોને સંદેશ
માધ્યમો સાથે વાતચીત કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતોમાં નિર્દોષ લોકો ભોગ ન બને અને ગંભીર ઈજાઓથી બચી શકાય તે માટે દરેક નાગરિકે ટ્રાફિક નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે પોલીસ દ્વારા વસૂલવામાં આવતો દંડ એ ટ્રાફિક નિધિમાં જાય છે, જેનો ઉપયોગ ફરીથી લોકોની જાગૃતિ અને ટ્રાફિક સુધારણા માટે થાય છે. પોલીસ વિભાગે મોરબીના તમામ નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરી વહીવટીતંત્રને સહકાર આપવા નમ્ર અપીલ કરી છે.












