MORBI:મોરબી સાયબર ક્રાઇમ ટીમની મોટી સફળતા: સ્ટોક માર્કેટના નામે લાખોની છેતરપિંડી આચરતી ગેંગના ૩ સાગરીતો ઝડપાયા

મોરબીના એક વેપારી સાથે શેરબજારમાં રોકાણના નામે રૂ. ૮૬.૨૫ લાખથી વધુની છેતરપિંડી આચરનાર આંતરજિલ્લા ટોળકીનો મોરબી સાયબર ક્રાઇમ ટીમે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. પોલીસે મહેસાણા જિલ્લામાંથી ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી ભોગ બનનારના રૂ. ૬૧ લાખ જેટલી માતબર રકમ સફળતાપૂર્વક રિકવર કરી છે.

પ્રાપ્ત વિગત મુજબ, આરોપીઓએ ફરિયાદીના પુત્રનો સંપર્ક કરી સ્ટોક માર્કેટમાં રોકાણ કરીને મોટો આર્થિક નફો મેળવવાની લાલચ આપી હતી. ભોગ બનનાર યુવાન આરોપીઓની વાતોમાં આવી જતાં, મે અને જૂન ૨૦૨૬ દરમિયાન બેન્ક ટ્રાન્સફર તેમજ આંગડિયા પેઢી મારફતે કુલ રૂ. ૮૬,૨૫,૯૫૦/- જેટલી રકમ અલગ-અલગ તબક્કે આરોપીઓને મોકલી આપી હતી. નાણાં ચૂકવ્યા બાદ કોઈ વળતર ન મળતાં અને મૂડી પણ પરત ન આવતાં છેતરપિંડીનો અહેસાસ થયો હતો.
આ મામલે ૧૯૩૦ સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવ્યા બાદ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સરહદી રેન્જ ભુજ અને મોરબી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ ટીમે ટેકનિકલ સેલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસનો દોર આગળ ધપાવ્યો હતો. તપાસ દરમિયાન આ છેતરપિંડીના તાર મહેસાણા જિલ્લા સાથે જોડાયેલા હોવાનું બહાર આવતાં એક વિશેષ ટીમ મહેસાણા મોકલવામાં આવી હતી, જ્યાંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓની વિગત- નિતીન બળદેવભાઈ રબારી (ઉં.વ. ૨૫, રહે. કમાલપુર, તા. વિજાપુર, જિ. મહેસાણા)ભલાભાઈ લાલાભાઈ રબારી (ઉં.વ. ૪૯, રહે. કમાલપુર, તા. વિજાપુર, જિ. મહેસાણા) કશ્યપજી ઉર્ફે ચકો અમરશીજી ઠાકોર (ઉં.વ. ૨૬, રહે. હિરાપુરા (નળુ), તા. ખેરાલુ, જિ. મહેસાણા)
મોડસ ઓપરેન્ડી (ગુનો આચરવાની પદ્ધતિ) આ ટોળકી સોશિયલ મીડિયા કે ફોન કોલ દ્વારા યુવાનોનો સંપર્ક કરતી હતી. સ્ટોક માર્કેટ અને IPOમાં ઊંચા વળતરના દિવાસ્વપ્નો બતાવી વિશ્વાસ કેળવ્યા બાદ, વિવિધ બેન્ક ખાતાઓ, UPI ID તેમજ આંગડિયા પેઢીઓ મારફતે નાણાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરતી હતી.

પોલીસની જાહેર જનતાને અપીલ – કોઈપણ અજાણ્યા ફોન કોલ, ઇ-મેઇલ કે સોશિયલ મીડિયા પર મળતી શેરબજાર કે રોકાણની લલચામણી સ્કીમોથી સાવધ રહેવું. સેબી (SEBI) માન્ય અધિકૃત બ્રોકરેજ ફર્મ મારફતે જ નાણાકીય રોકાણ કરવું હિતાવહ છે. કોઈપણ સાયબર ફ્રોડનો ભોગ બનવાના સંજોગોમાં તાત્કાલિક ૧૯૩૦ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો.









