તા.16/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ગ્રામીણ ઓલિમ્પિક્સ અને લોકસંસ્કૃતિનું આંતરરાષ્ટ્રીય આકર્ષણ

ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં મેળાઓ ધાર્મિક આસ્થા અને મનોરંજન પૂરું પાડવાની સાથે ગ્રામીણ અર્થતંત્ર માટે કરોડરજ્જુ સમાન છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો આ વાતની સાબિતી પૂરી પાડે છે. ભાદરવા સુદ ચોથથી છઠ દરમિયાન ભરાતો આ લોકમેળો ઝાલાવાડની સંસ્કૃતિ અને રાસ-ગરબાની રમઝટ સાથે સ્થાનિક વેપાર અને ગ્રામીણ કલાકારો માટે આર્થિક ઉપાર્જનનું મોટું કેન્દ્ર બને છે. આ મેળા દરમિયાન આસપાસના ગ્રામીણ વિસ્તારોના નાના વેપારીઓ, કારીગરો અને ફેરિયાઓ માટે રોઝગારીના દ્વાર ખુલે છે. પરંપરાગત આભૂષણો, વસ્ત્રો તથા સ્થાનિક ગૃહઉદ્યોગની વસ્તુઓનું વિશાળ પાયે વેચાણ થાય છે. આ ઉપરાંત, ખાણીપીણીના સ્ટોલ્સ, રમકડાંના વેપારીઓ, સ્થાનિક વાહનચાલકો અને હોસ્પિટાલિટી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને થોડા જ દિવસોમાં આખા વર્ષ દરમિયાન ઉપયોગી થાય તેટલી આર્થિક આવક પ્રાપ્ત થાય છે. તરણેતરના મેળાનું બીજું સૌથી સબળ આર્થિક પાસું અહીં યોજાતો પશુમેળો છે, જે પશુપાલકો અને માલધારી સમુદાય માટે આર્થિક સમૃદ્ધિનો માર્ગ ખોલે છે. અહીં કાંકરેજ અને ગીર ગાયો, બન્ની ભેંસો જેવી ઉત્તમ ઓલાદની પશુ પ્રદર્શન હરિફાઈ યોજાઈ છે. ગુજરાત પ્રવાસન નિગમ અને રમતગમત વિભાગ દ્વારા યોજાતી ગ્રામીણ ઓલિમ્પિક્સ, સાંસ્કૃતિક સ્પર્ધાઓ અને લોકનૃત્યો દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે. પ્રખ્યાત કલાકારોથી લઈને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પણ આ ભાતીગળ મેળાની મુલાકાત લઈ તેની સંસ્કૃતિ અને લોકજીવનની જીવંતતા માણે છે. આ ઉપરાંત, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા, આરોગ્ય, પીવાના પાણી અને પરિવહનની સુચારૂ વ્યવસ્થા સાથે જન કલ્યાણકારી યોજનાઓના માહિતીપ્રદ પ્રદર્શન સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે, જેથી સ્થાનિકોમાં જાગરૂકતા વધે છે. તરણેતરનો મેળો આપણી પૌરાણિક વિરાસતનું જતન કરવાની સાથે સ્થાનિક કલાકારોને વૈશ્વિક મંચ પૂરું પાડે છે અને ગ્રામીણ ભારતના વિકાસ ચક્રને સતત ગતિમાન રાખે છે.








