ગુજરાતના શિક્ષણ વિભાગની નીતિઓ સામે સણસણતા સવાલો: મુખ્યમંત્રીના ભલામણ પત્રના કાર્યક્રમ હેઠળ ભૂલો છુપાવવાનો અદભૂત પ્રયાસ?

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

ગુજરાતના શિક્ષણ વિભાગની નીતિઓ સામે સણસણતા સવાલો: મુખ્યમંત્રીના ભલામણ પત્રના કાર્યક્રમ હેઠળ ભૂલો છુપાવવાનો અદભૂત પ્રયાસ?

૦૦૦

કચ્છની ખાલી જગ્યા અને બદલીવાળા શિક્ષકોને છુટા કરવાની ગંભીર સમસ્યાનો એક માત્ર સુખદ ઉકેલ 

૦૦૦

સોમવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ટેટ 1 પરીક્ષાનું જાહેરનામું અને વિદ્યા સહાયક શિક્ષક માટે શાળા પસંદગીની તારીખ જાહેર કરે એવી પ્રબળ લોકમાંગ 

૦૦૦

૮,૦૦૦ની ભરતી પછી પણ ૧૬,૦૦૦થી વધુ કાયમી જગ્યાઓ ખાલી રહેવા છતાં નાપાસ ઉમેદવારોના કોર્ટ કેસથી ૭૭૪ લાયક ઉમેદવારોને ઘોર અન્યાય?

૦૦૦

ટેટ 1ની પરીક્ષામાં ૮૨થી વધુ ગુણ મેળવનાર બિન અનામત જાતિ તથા ૭૫થી વધુ ગુણ મેળવનાર જનજાતિના ઉમેદવારોને વિદ્યા સહાયક તરીકે ખાસ કિસ્સામાં નિમણુંક આપવા માંગ 

૦૦૦

કોર્ટ કેસનું કાનૂની વિશ્લેષણ અને વકીલોની ‘બેવડી નીતિ’ અને જૂઠ્ઠાણાંનો પર્દાફાશ : શરતી અરજી કરનાર ૭૭૪ ઉમેદવારો તથા તેમના વકીલને કોર્ટ ક્યારે સબક શીખવાડશે?

 

મુંદરા, તા.૧ નવેમ્બર ૨૦૨૬:

 

રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આગામી ૨ નવેમ્બર ૨૦૨૬, સોમવારના રોજ અમદાવાદના અડાલજ ખાતે મુખ્યમંત્રીના વરદ હસ્તે નવ-નિયુક્ત વિદ્યાસહાયકોને ભલામણ પત્ર એનાયત કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ ભવ્ય કાર્યક્રમની પાછળ શિક્ષણ વિભાગની એક બહુ મોટી વહીવટી રમત છુપાયેલી હોવાના સણસણતા આક્ષેપો ઉઠવા પામ્યા છે. 

સત્તાવાર પરિપત્ર મુજબ ઉમેદવારોને માત્ર ‘ભલામણ પત્ર’ આપીને ક્રેડિટ લેવાશે, પરંતુ જિલ્લાની શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શાળા ફાળવણી ક્યારે થશે તેની કોઈ જ તારીખ જાહેર કરાઈ નથી! જ્યાં સુધી શાળા ફાળવણી ન થાય ત્યાં સુધી ઉમેદવારોની અનિશ્ચતતાનો અંત આવતો નથી. આ વિલંબ પાછળ ૨૧ નવેમ્બર સુધી ચાલનારા કાયમી શિક્ષકોના બદલી કેમ્પ અને ૩ નવેમ્બરની હાઈકોર્ટની સુનાવણી જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે સોમવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ટેટ 1 પરીક્ષાનું જાહેરનામું અને વિદ્યા સહાયક શિક્ષક માટે શાળા પસંદગીની તારીખ (સંભવિત ૪ નવેમ્બર) જાહેર કરે એવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

⚖️ કોર્ટ કેસનું કાનૂની વિશ્લેષણ અને વકીલોની ‘બેવડી નીતિ’ અને જૂઠ્ઠાણાંનો પર્દાફાશ : શરતી અરજી કરનાર ૭૭૪ ઉમેદવારો તથા તેમના વકીલને કોર્ટ ક્યારે સબક શીખવાડશે?

 

નામ. વડી અદાલતમાં દાખલ થયેલ એસ.સી.એ. નં.૩૦૦૫/૨૦૨૬ તથા સંલગ્ર કેસમાં તા.૨૩/૦૪/૨૦૨૬ના રોજ માનનીય જજ નિરઝાર દેસાઈએ આપેલા કોમન ઓરલ ઓર્ડર મુજબ સદર કેસોના અરજદારોને તા.૦૧/૦૪/૨૦૨૬ ના રોજ પ્રસિધ્ધ થયેલ વિદ્યાસહાયક ભરતી ૨૦૨૬ (ધોરણ ૧ થી ૫) અન્વયે માત્ર ભૌતિક (Ofline) ફોર્મ ભરવાની વચગાળાની રાહત રૂપે શરતી મંજૂરી આપેલ હતી. 

કેસની વિગત જોઈએ તો અરજદારોના વકીલ શ્રીમતી વિધિ ભટ્ટ અને વૈભવ વ્યાસએ કોર્ટમાં નમ્રતાનો ઢોંગ કરીને સ્પષ્ટ લિખિત બાંહેધરી આપી હતી કે જો તેમના ઉમેદવારોને ફોર્મ ભરવા દેવામાં આવશે તો તેઓ અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી આ ભરતી બાબતે નિમણુંકનો હકદાવો કે ભરતીને અડચણરૂપ બનશે નહીં. ભરતીના કાયદેસરના ઉમેદવારોને કોઈ નુકસાન ન થાય એ મૂળ આધાર સાથે જજ સાહેબે સ્પષ્ટ નોંધ્યું હતું કે ૧૧,૦૦૦ જગ્યાઓની સામે કેસ કરનારા ઉમેદવારોની સંખ્યા ૭૫૦ જેટલી જ છે. અને જો તેઓ ભવિષ્યમાં કદાચ તેઓ સાચા સાબિત થાય તો પણ આટલી મોટી ભરતીમાં તેઓ ક્યાંય નડશે નહીં. કેમ કે જ્યારે ૧ એપ્રિલ ૨૦૨૬ ના રોજ ૧૧,૦૦૦ ની ભરતી આવી ત્યારે જ રાજ્યમાં ૧૮,૦૦૦ થી વધુ જગ્યાઓ ખાલી હતી.  

હાલની પરિસ્થિતિ જોઈએ તો અગાઉની ખાલી ૭૦૦૦, ભરતી બાદ ખાલી રહેલી ૩,૦૪૬ અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી દિવસે ૩૧ ઓક્ટોબરના દાદા ભુપેન્દ્રભાઈ પટેલના રાજમાં વધુ ૬,૦૦૦ શિક્ષકો નિવૃત્ત થવાના સમાચાર સાથે કુલ ૧૬,૦૪૬ કાયમી જગ્યાઓ ખાલી રહેવા પામે છે! 

 

૭૭૪ જગ્યાઓ બાનમાં રાખી લાયક ઉમેદવારોના હકનો ભોગ તો નથી લેવાયો ને?

 

અરજદારોના વકીલોએ સ્વીકાર્યું હતું કે ભવિષ્યમાં જગ્યાઓ ઓછી આવશે તો તેઓ પાસ થવા છતાં રહી જશે એટલે તેઓ ચાલુ ભરતીમાં ઘૂસવા માગે છે. આ સાબિત કરે છે કે તેઓ પોતાની અસક્ષમતા (નાપાસ થવાના ડર) ને છુપાવવા કાયદેસર પાસ થયેલા ઉમેદવારોનો ભોગ લઈ રહ્યા છે. 

જ્યારે ૧૬,૦૦૦ થી વધુ જગ્યાઓ ખાલી હોય ત્યારે ચાલુ ભરતીમાં લાયક ઉમેદવારોના હકની જગ્યાઓ લોક કરાવવી એ ભારતીય ન્યાય સંહિતાના કાયદાની મૂળ ભાવનાના ભંગ સમાન ગણી શકાય. કદાચ જો નાપાસ ઉમેદવારોને ૨-૩ ગુણનો સુધારો કરી પણ અપાય તો પણ તેઓ મેરિટમાં પાછળ જ રહેશે કારણ કે તેમની આગળ પહેલેથી જ ૩,૦૪૬ પાસ ઉમેદવારો નિમણુંકની પ્રતીક્ષામાં રાહ જોઈ રહ્યા છે!

 

સરકારી વકીલની સચોટ અને ધારદાર દલીલો :

 

સરકારી વકીલ આકાશ ગુપ્તાએ ખૂબ જ મજબૂત રીતે આ કેસનો વિરોધ કર્યો હતો અને કોર્ટને જણાવ્યું હતું કે આ અરજીઓ એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ (Abuse of Process of Law) સિવાય કંઈ નથી. રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB)એ ઓલરેડી 10 પ્રશ્નોની ભૂલો સુધારીને તમામ ઉમેદવારોને ‘ગ્રેસ માર્ક્સ’ (સુધારેલા ગુણ) આપી જ દીધા છે, હવે કોઈ સુધારો બાકી રહેતો નથી. જો આ નાપાસ ઉમેદવારોને નોકરી અપાશે તો જે ઉમેદવારો કોર્ટમાં નથી આવ્યા તેમની સાથે ગંભીર અન્યાય થયો ગણાશે. આનાથી ભવિષ્યમાં એક ખૂબ જ ખરાબ ચીલો (પ્રેસિડેન્ટ) પડશે જ્યાં દરેક પરીક્ષામાં નાપાસ થનારા ઉમેદવારો કોર્ટનો આશરો લઈને કાયમી ભરતીઓ અટકાવશે. સાથે સરકારી વકીલે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ તમામ નાપાસ ઉમેદવારો ૨૬ થી ૩૬ વર્ષની વચ્ચેના છે એટલે કે તેઓ વયમર્યાદા (Age Limit) ની બહાર પણ જતા નથી. અને સરકાર ટૂંક સમયમાં નવી ટેટ ૧ પરીક્ષા યોજવાની તૈયારીમાં જ છે.

આ સમગ્ર બાબત સાબિત કરે છે કે નાપાસ ઉમેદવારો પાસે કોઈ કાનૂની હક ન હોવા છતાં વારંવાર જજ બદલાવાનો ફાયદો ઉઠાવી તેમના વકીલોએ ચાલુ ભરતીમાંથી ૭૭૪ લાયક અને પાસ ઉમેદવારોના હકની જગ્યાઓ લોક કરાવીને તેઓ લાયક ઉમેદવારોના હકનો ભોગ લઈ રહ્યા છે. આમ છતાં જો હજુ પણ આગામી સુનાવણીમાં કોર્ટનો કિંમતી સમય બગાડીને વચગાળાની ઉદારતાનો લાભ લેનારા નાપાસ ઉમેદવારો અને તેમના વકીલો ખોટી દલીલો કરીને કાયદેસરની ભરતી અટકાવવાનો પ્રયાસ ચાલુ રાખે તો અદાલતે ન્યાયના હિતમાં આગામી ૩ થી ૫ વર્ષ માટે લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે તેમને ગેરલાયક ઠેરવવા જેવો ધાક બેસાડતો ચુકાદો આપીને સાથે તેમના વકીલોને પણ કડક ચેતવણી આપી ઉદાહરણ રૂપ ચુકાદો આપવો જોઈએ.

 

ખુદ્દારીની મિસાલ: ૧,૩૮૨માંથી માત્ર ૩૯ બિન અનામત ઉમેદવારો જ કોર્ટમાં ગયા :

 

અન્યાયના નામે નાપાસ થયેલા ૯૦,૦૦૦ ઉમેદવારોમાંથી ૧% થી ઓછા લોકો આખી કાયમી ભરતી રોકીને બેઠા છે, ત્યારે બીજી તરફ ખરેખર અન્યાયનો ભોગ બનેલા ૧,૩૮૨ સામાન્ય વર્ગના ઉમેદવારોમાંથી માત્ર ૩% (૩૯ ઉમેદવારો) એ જ કોર્ટનો સહારો લીધો છે, જે તેમની ખુદ્દારી અને આત્મનિર્ભરતા દર્શાવે છે. પરંતુ બંધારણના નામે ચાલતી આ જ્ઞાતિ આધારિત અસમાનતા હવે આર્થિક ધોરણો પર આધારિત થાય તેવી પ્રબળ માંગ લોકશાહી દેશમાં ઉઠી રહી છે.

જો સરકાર અનામત નીતિ બાબતે સમયસર યોગ્ય નિર્ણય નહીં લે તો બહુમતી ધરાવતો આ વંચિત યુવા વર્ગ ભવિષ્યમાં મોટું આંદોલન છેડે એ દિવસો દૂર નથી. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ વહીવટી ગોબાચારી પર રોક લગાવે તેમાં જ શિક્ષણનું સાચું હિતમાં રહેલું છે. એવું શિક્ષણ વિદ્દો જણાવી રહ્યા છે.

 

 

📝 બિન અનામત વર્ગને ઘોર અન્યાય : ‘અનામત પ્રથા’ ના નામે ગુજરાતમાં સુવર્ણ ઉમેદવારોની સામાજિક કતલ થઈ રહી છે? 

 

સત્તાવાર ટેટ -1 પરિણામ અને ફાઇનલ મેરિટ લિસ્ટના આંકડા મુજબ ઓપન (જનરલ) કેટેગરી માટે પાસ થવાનું ધોરણ ૬૦% (૯૦ ગુણ) અને અનામત માટે ૫૫% (૮૨ ગુણ) રાખવામાં આવેલ છે. આ અસમાનતાના કારણે ૧,૩૮૨ સામાન્ય વર્ગના ઉમેદવારો એવા છે કે જેમને ૮૨ થી ૮૯ ની વચ્ચે ગુણ હોવા છતાં માત્ર સામાન્ય જ્ઞાતિમાં જન્મ લેવાને કારણે ગેરલાયક ઠેરવી દેવાયા છે! જ્યારે બિન-અનામત વર્ગની ૪,૫૫૫ જગ્યાઓ સામે માત્ર ૨૯૮ (માત્ર ૩%થી ઓછા) જનરલ કેટેગરીના ઉમેદવારો જ પાસ થયા છે ૪,૫૫૫ બેઠકો ફાળવી હોવા છતાં હજુ પણ ૧,૭૮૧ જગ્યાઓ ખાલી પડી છે ત્યારે જો સરકાર આ વર્ષે ખાસ કિસ્સા તરીકે છૂટછાટ આપી સામાન્ય વર્ગને પણ ૫૫% (૮૨ ગુણ) એ પાસ ગણે તો ૧,૩૮૨ ઉમેદવારોને નોકરી મળી જાય અને આમ છતાં ૩૯૯ જેટલી જગ્યાઓ ખાલી રહે.

 

પાયાના પ્રાથમિક શિક્ષણમાં પાસ થવાના ‘બેવડા માપદંડ’ સામે જાગૃત નાગરિકોનો આક્રોશ :

 

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ ૯ થી ૧૨ (TAT-S અને TAT-HS) ની પ્રિલિમરી પરીક્ષામાં પાસ થવા માટે માત્ર ૩૫% નું કટ-ઓફ રખાયું છે જયારે પ્રાથમિક શિક્ષણના પાયાના ધોરણ ૧ થી ૫ માં શિક્ષક બનવા માટે સામાન્ય વર્ગ માટે આટલું ઊંચું (૬૦%) ધોરણ શા માટે? એવા પ્રશ્નો લોકોના મનમાં ઉદભવે એ સ્વાભાવિક છે કેમ કે બંધારણમાં અભ્યાસ અને નોકરી માટે અગ્રતા આપવા અનામતની ભલામણ કરવામાં આવી હતી. નહીં કે પાસ થવા માટે.

આશ્ચર્યની વાત તો એ છે કે બે મહિના પહેલાં લેવાયેલી ટાટ મુખ્ય પરીક્ષાના પેપર તપાસણીનું કાર્ય પણ પુરૂ થઈ ગયું હોવા છતાં તેનું પરિણામ જાહેર કરાતું નથી. અને તેના બદલે શિક્ષણતંત્ર ડિગ્રી (ટાટ) વગરના માત્ર ગ્રેજ્યુએટ ઉમેદવારોની કરાર આધારિત ભરતી કરવા માટે ત્રીજો રાઉન્ડ બહાર પાડવાના પ્રયાસ કરી રહ્યું છે જે ઉચ્ચ અભ્યાસ કરીને લાયક બનેલા ઉમેદવારોના ભવિષ્ય પર વ્રજઘાત સમાન છે. આ માટે ટાટ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની ફાઇનલ પરીક્ષાનું પરિણામ સત્વરે જાહેર કરવું જોઈએ એવી પણ લોક માંગ છે.

 

અનુસૂચિત જનજાતિ કેટેગરીના ૬૭૯ ઉમેદવારોને પણ ખાસ છૂટછાટ આપવામાં આવે :

 

ટેટ – ૧ નું સત્તાવાર પરિણામ જોતા અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં ૧,૭૧૦ જગ્યાઓ સામે માત્ર ૧,૦૩૧ ઉમેદવારો જ મળ્યા છે જયારે ૬૭૯ જગ્યાઓ ખાલી રહી ગઈ છે. જો સરકાર કાનૂની અને વહીવટી રીતે વચલો રસ્તો અપનાવી આદિવાસી દલિત સમાજના અનુસૂચિત જનજાતિ વર્ગને પણ ૫૦% (૭૫ ગુણ) એ પાસ ગણવા આ વર્ષે ખાસ કિસ્સા તરીકે વિશિષ્ટ છૂટછાટ આપે તો ગુજરાતને હજુ ૬૭૯ નવા કાયમી શિક્ષકો મળી શકે તેમ છે.

 

કચ્છની ખાલી જગ્યા અને બદલીવાળા શિક્ષકોને છુટા કરવાની ગંભીર સમસ્યાનો એક માત્ર સુખદ ઉકેલ :

 

કચ્છ જિલ્લામાં ૨,૦૦૦થી વધુ ખાલી જગ્યાઓની સામે ભરતી પ્રક્રિયા બાદ પણ ૧,૫૦૦ જેટલી જગ્યાઓ ખાલી રહી છે અને ૧૦૦૦ જેટલા જિલ્લા બદલી વાળા શિક્ષકો છુટા થવાની રાહ જુએ છે ત્યારે સરકાર જો ઈચ્છા શક્તિ બતાવીને આ ૧,૩૮૨ બિન અનામત ઉમેદવારો અને ૬૭૯ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને માત્ર કચ્છ જિલ્લાની શાળા પસંદ કરવાની શરતે નિમણુંક આપી ભરતી કરે તો કચ્છના શિક્ષણમાં વર્ષોથી ચાલી આવતી શિક્ષકોની અછતનો કાયમી અને સુખદ અંત આવી શકે એમ છે. અને સાથે બદલી પામેલા શિક્ષકો છૂટા થઈને પોતાના વતનમાં નવું વર્ષ મનાવી શકે. પરંતુ તંત્ર માત્ર વ્યવહાર સાચવવામાં જ મશગૂલ હોય એવું લાગી રહ્યું છે.

 

બોન્ડની રકમ ૩૦ લાખ કરી કચ્છને ‘ભરતીનો જિલ્લા’ ના શ્રાપથી મુક્તિ કોણ અપાવશે?

 

કચ્છ જિલ્લામાં ભરતી બાદ પણ ૧,૫૦૦થી વધુ જગ્યાઓ ખાલી રહી ગઈ છે કારણ કે બહારના જિલ્લામાંથી ખાસ ભરતી હેઠળ આવેલા શિક્ષકો રૂપિયા ૩ લાખના નજીવા બોન્ડની રકમ ભરીને વતનમાં ભાગી છૂટયા છે. એક અહેવાલ મુજબ ૧૬૨ જેટલા શિક્ષકો કચ્છના બાળકોનું ભવિષ્ય રોળીને પોતાના વતન ભાગી ગયા છે ત્યારે કચ્છી લોકોની મક્કમ માંગ છે કે બોન્ડની રકમ ૩ લાખથી વધારીને ૩૦ લાખ કરી દેવી જોઈએ. 

 

શું નવેમ્બરમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જશે?

 

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૨૭ નવેમ્બર ૨૦૨૬ થી ગ્રામ પંચાયત ચૂંટણીઓનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થવાની સંભાવના જોતા આચારસંહિતા લાગુ પડે તે પહેલાં જ્ઞાન સહાયકના હંગામી નાટક કાયમ માટે બંધ કરી દિવાળી વેકેશન પહેલાં જ તમામ વિદ્યાસહાયકોને શાળા ફાળવણીના આખરી ઓર્ડર આપી દેવા જોઈએ. જો શિક્ષણ વિભાગ પોતાની મનમાની ચાલુ રાખશે તો કચ્છના વાલીઓ અને ઉમેદવારો આ તમામ દસ્તાવેજી પુરાવાઓ સાથે સીધા જ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિલ્હી દરબારમાં રજૂઆત કરશે. એવું વિશ્વસનીય સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો