તા.૧૦/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
પાકો રસ્તો બનવાથી ચોમાસામાં પડતી મુશ્કેલીનો કાયમી અંત આવશે: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીય
Rajkot: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગનાં કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે જસદણના વડલા ગામના વાડી વિસ્તાર માટે નવા સીમેન્ટ કોંક્રિટ (સી.સી.) રોડના નિર્માણ કાર્યનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોનાં સર્વાંગી વિકાસ માટે સરકાર સતત કટિબદ્ધ છે. નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ સત્વરે ઉપલબ્ધ કરાવવી એ સરકારની પ્રાથમિકતા રહી છે. વડલા વાડી વિસ્તારમાં આ પાકો સી.સી. રોડ બનવાથી સ્થાનિક રહીશોને ખાસ કરીને ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓનો કાયમી અંત આવશે. વધુમાં, સુગમ અને ટકાઉ માર્ગ બનવાથી વાહનચાલકો તેમજ રાહદારીઓના સમયની બચત થશે અને પરિવહન વધુ સરળ બનશે.

આ કાર્યક્રમમાં પદાધિકારીશ્રીઓ, વિવિધ સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વડલા વાડી વિસ્તારના રહીશોએ ઉપસ્થિત રહીને, રોડનું ખાતમુહૂર્ત થવા બદલ મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.











