જાતિગત પક્ષપાત કે સામાજિક ન્યાય..?? સોલાર યોજના અને અનામત નીતિની વ્યાપક સમીક્ષાની માંગ. – લેખક અમિત ત્રિવેદી

ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો મહાન દેશ છે. બંધારણના ઘડવૈયાઓએ એક એવા કલ્યાણકારી રાજ્યની કલ્પના કરી હતી જ્યાં સમાજના દરેક નાગરિકને સમાન તક, સમાન ન્યાય અને આત્મસન્માનપૂર્વક જીવવાનો અધિકાર મળે. પરંતુ વર્તમાન સમયમાં સરકારી યોજનાઓ, શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે જ્ઞાતિ આધારિત વર્ગીકરણના કારણે સમાજમાં એક નવો અસંતોષ અને વિભાજનની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે.
તાજેતરમાં જ જાહેર કરાયેલી સોલાર રૂફટોપ યોજનામાં સામાન્ય વર્ગના નાગરિકો માટે ૧૦% અને ચોક્કસ વર્ગ (SC/ST) માટે ૫% રકમ ભરપાઈ કરવાની જોગવાઈ રાખવામાં આવી છે. આ નિર્ણય પાછળ સરકારનો ઉદ્દેશ્ય ભલે સામાજિક ઉત્થાનનો હોય, પરંતુ એક જ નાગરિક ધારા હેઠળ આવતા લોકોમાં પર્યાવરણ અને ઉર્જા સંબંધિત કલ્યાણકારી યોજનાઓમાં જ્ઞાતિના આધારે ભેદભાવ કરવો કેટલો યોગ્ય?

આજે સામાન્ય કે બિનઅનામત વર્ગમાં પણ લાખો એવ’ પરિવારો છે જેઓ આર્થિક રીતે અત્યંત નબળા છે અ દૈનિક રોજીરોટી માટે સંઘર્ષ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ, ચોક્કસ વર્ગમાં આર્થિક રીતે સમૃદ્ધ થઈ ચૂકેલા લોકોને પણ આ યોજનાઓનો વિશેષ લાભ મળે છે. આ પ્રકારના નીતિવિષયક તફાવતથી સામાન્ય વર્ગના ગરીબ અને મધ્યમવર્ગીય નાગરિકોમાં ઉપેક્ષા અને અન્યાયની લાગણી જન્મે છે.
આ વિષય માત્ર સામાન્ય જનતાનો અસંતોષ નથી, પરંતુ દેશની અદાલતોએ પણ સમય-સમય પર આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે.
ઈન્દિરા સાહની કેસ (૧૯૯૨)માં સુપ્રીમ કોર્ટે અનામતની મર્યાદા ૫૦% નક્કી કરી હતી. તાજેતરમાં ઓગસ્ટ ૨૦૨૪માં સુપ્રીમ કોર્ટના ૭ જજોની પીઠે સ્પષ્ટ ટિપ્પણી કરી હતી કે, “જે લોકો અનામતનો લાભ લઈને આગળ વધી ગયા છે અને સક્ષમ બની ગયા છે, તેમને ‘ક્રીમી લેયર’ હેઠળ અનામતમાંથી બહાર કરવાનો સમય આવી ગયો છે, જેથી સાચા વંચિતો સુધી લાભ પહોંચી શકે.”
વર્ષ ૨૦૧૫માં ગુજરાત હાઈકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરતા નોંધ્યું હતું કે, અનામતનો મૂળ હેતુ સામાજિક સમાનતા લાવવાનો હતો, પરંતુ કાળક્રમે રાજકારણીઓએ તેને વોટબેંકનું સાધન બનાવી દીધું છે. દેશના વિકાસ માટે અનામત અને સહાયનો આધાર માત્ર અને માત્ર આર્થિક સ્થિતિ હોવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે ડૉ. સુભાષ કાશીનાથ મહાજન કેસ (૨૦૧૮)માં તેમજ વિવિધ હાઈકોર્ટોએ નોંધ્યું છે કે એટ્રોસિટી એક્ટ જેવા કાયદાઓ શોષિતોના રક્ષણ માટે બનેલા છે, પરંતુ અંગત અદાવત કે નાણાકીય વિવાદોમાં તેનો દુરુપયોગ વધી રહ્યો છે, જે નિર્દોષોને હેરાન કરે છે અને સમાજમાં કડવાશ ઊભી કરે છે.
શિક્ષણ અને સરકારી નોકરીઓમાં ઊંચા ગુણ લાવવા છતાં સામાન્ય વર્ગનો તેજસ્વી યુવાન પ્રવેશ કે નોકરીથી વંચિત રહી જાય છે, જ્યારે ઓછા ગુણ ધરાવનાર વ્યક્તિને સરળતાથી તક મળી જાય છે. આનાથી યુવાધનમાં હતાશા વ્યાપે છે અને દેશની શ્રેષ્ઠ પ્રતિભાઓનું બ્રેઈન ડ્રેઈન (પરદેશ ગમન) થાય છે.
જ્યારે નીતિઓનો આધાર માત્ર જ્ઞાતિ બને છે, ત્યારે સમાજના અલગ-અલગ વર્ગો વચ્ચે પરસ્પર અવિશ્વાસ, ઈર્ષ્યા અને કડવાશ ઉત્પન્ન થાય છે. જે અનામતનો હેતુ સમાજને જોડવાનો હતો, તે આજે સમાજને ટુકડાઓમાં વહેંચવાનું કામ કરી રહી છે.
કોઈપણ રાષ્ટ્રની પ્રગતિનો આધાર તેની સામાજિક એકતા અને સમરસતા પર રહેલો હોય છે. જો સમાજનો એક મોટો વર્ગ સતત પોતાને અન્યાયનો ભોગ બનતો અનુભવશે, તો દેશમાં કાયમી શાંતિ અને વિકાસ શક્ય નથી. આ સમસ્યાના ઉકેલ માટે નીચે મુજબના પગલાં લેવા અનિવાર્ય છે.
સરકારની દરેક સબસિડી, કલ્યાણકારી યોજના અને અનામતનો મુખ્ય આધાર જાતિને બદલે માત્ર અને માત્ર આર્થિક સ્થિતિ (આવક) હોવો જોઈએ. ગરીબ વ્યક્તિ ભલે કોઈપણ જ્ઞાતિનો હોય, તેને સમાન હક્ક અને સહાય મળવી જ જોઈએ.
૭૦ થી વધુ વર્ષોથી ચાલી આવતી યોજનાઓ અને અનામત પ્રથાનું નિષ્પક્ષ મૂલ્યાંકન થવું જોઈએ. જે પરિવાર કે વ્યક્તિ આર્થિક અને સામાજિક રીતે સક્ષમ થઈ ચૂક્યા છે, તેમને આ લાભોમાંથી મુક્ત કરી સાચા જરૂરિયાતમંદ સુધી મદદ પહોંચાડવી જોઈએ.
સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં પ્રતિભાને યોગ્ય સ્થાન મળે અને દરેક ભારતીય નાગરિક પોતાને આ દેશનો સમાન હિસ્સેદાર સમજે તેવી નીતિઓનું ઘડતર થવું જોઈએ.
સમય આવી ગયો છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો વોટબેંકની રાજનીતિથી ઉપર ઊઠીને સામાજિક સમરસતા અને વાસ્તવિક ન્યાયની દિશામાં વિચાર કરે. અનામત, કાયદાઓ અને સરકારી યોજનાઓની વ્યાપક તથા પારદર્શી સમીક્ષા જ ભારતીય સમાજને ટુકડાઓમાં વહેંચાતો અટકાવી શકશે અને ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ ના નારાને સાચા અર્થમાં ચરિતાર્થ કરશે.













