MORBI:’તેરા તુજકો અર્પણ’: સાયબર ફ્રોડનો ભોગ બનેલા મોરબીના વેપારીને પોલીસે ₹10.50 લાખનો મુદ્દામાલ પરત સોંપ્યો

મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોના નાણાં પરત અપાવવાની દિશામાં મોટી સફળતા મેળવી છે. સસ્તા ભાવે કોપરનો ભંગાર આપવાની લાલચ આપી વેપારી સાથે આચરેલી લાખો રૂપિયાની ઠગાઈનો ભેદ ઉકેલી પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે કોર્ટના આદેશ બાદ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ વેપારીને ₹10.50 લાખની રકમ પરત સોંપવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણું કરી ગુનાહિત કાવતરું રચ્યું હતું. તેઓએ ફરિયાદી તથા સાહેદને બજારભાવ કરતાં સસ્તા ભાવે કોપરનો ભંગાર ખરીદવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ ટુકડે-ટુકડે ફરિયાદી પાસેથી કુલ ₹15,98,720 પડાવી લઈ છેતરપિંડી આચરી હતી.
પોતાની સાથે ઓનલાઈન ફ્રોડ થયાનો અહેસાસ થતાં વેપારીએ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. ટેકનિકલ એનાલિસિસ અને સઘન તપાસના અંતે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા તમામ 6 આરોપીઓની અટકાયત કરી હતી.
પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ઠગાઈમાં ગયેલી રકમ પૈકી ₹10,50,000 રિકવર કરવામાં સફળતા મેળવી હતી. આ રકમ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી કોર્ટના હુકમ મુજબ મૂળ માલિકને સોંપવામાં આવી હતી. પોતાની મહેનતની કમાણી પરત મળતાં વેપારીએ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
સાયબર પોલીસે પ્રજાજોગ સંદેશ પાઠવતાં જણાવ્યું છે કે, કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ફોન કે સોશિયલ મીડિયા પર ચીજવસ્તુઓ અત્યંત સસ્તા ભાવે આપવાની લાલચ આપવામાં આવે તો આવી લોભામણી સ્કીમમાં ક્યારેય ફસાવું નહીં. વેપાર કે ખરીદી હંમેશા માન્ય દુકાનદાર કે અધિકૃત મર્ચન્ટ પાસેથી જ કરવી. નાગરિકોની સાવધાની અને સતર્કતા જ સાયબર ફ્રોડથી બચવાનો સૌથી ઉત્તમ ઉપાય છે.













