
સમીર પટેલ, ભરૂચ

ગુજરાત રાજ્ય ગ્રેડ-3 કર્મચારી મંડળના કહેવા પર ભરૂચ અને નર્મદા જિલ્લાના કર્મચારીઓએ મોરચો માંડ્યો છે. તેઓ લાંબા સમયથી અટકેલા પ્રશ્નોના કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. અગાઉ આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી, છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે.
મંડળના પ્રતિનિધિઓ અને જિલ્લા પ્રમુખે જણાવ્યું કે, કર્મચારીઓ તબક્કાવાર આંદોલન કરી રહ્યા છે. 11 થી 18 સપ્ટેમ્બર સુધી કર્મચારીઓએ કચેરીમાં હાજર રહીને ‘પેન ડાઉન’ કાર્યક્રમ કર્યો હતો. એટલે કે, તેઓએ કામગીરીથી પોતાને અલગ રાખ્યા હતા.
ત્યારબાદ 19 સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યના સ્ટાફ સાથે સામૂહિક રજા (માસ સીએલ) પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. આમ છતાં સરકાર તરફથી કોઈ યોગ્ય જવાબ ન મળતાં, રાજ્ય મંડળના આદેશ મુજબ 21 સપ્ટેમ્બરથી તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર બેસી ગયા છે.
કર્મચારીઓની મુખ્ય માંગણી પગારધોરણ અને ગ્રેડ-પેમાં સુધારો કરવાની છે. હાલ સર્વેયર કેડરનો ગ્રેડ-પે 2400 રૂપિયા છે, તેને વધારીને 2800 રૂપિયા કરવાની માંગ છે. તેવી જ રીતે, સિનિયર સર્વેયર કેડરનો ગ્રેડ-પે 2800 રૂપિયા છે, તેને 4200 રૂપિયા કરવાની માંગ મુખ્ય છે.
કર્મચારી મંડળે જણાવ્યું કે, અગાઉ મુખ્યમંત્રી સ્તરે આ અંગે સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી. છતાં આજદિન સુધી તેનો અમલ થયો નથી. આ કારણે રાજ્યભરના કર્મચારીઓમાં નારાજગી અને અસંતોષ જોવા મળી રહ્યો છે.
lકર્મચારી આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી રાજ્ય મંડળની સૂચના મુજબ અટકેલા પ્રશ્નોનો સંતોષકારક ઉકેલ નહીં આવે, ત્યાં સુધી આ અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રહેશે.
કર્મચારીઓની આ હડતાળને કારણે સરકારી કચેરીઓમાં કામગીરી ખોરવાઈ જવાની અને લોકોના કામો અટકી પડવાની પૂરી શક્યતા છે.







