બોડેલીમાં રાત્રિના સમયે કલેક્ટર ગાર્ગી જૈને નગરપાલિકા વિસ્તારમાં ઓચિંતી મુલાકાત લઈ શહેરની સ્વચ્છતા વ્યવસ્થાનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. રાત્રિના આશરે 9 વાગ્યે યોજાયેલી આ મુલાકાત દરમિયાન કલેક્ટર ગાર્ગી જૈને વાહનમાં બેસીને નિરીક્ષણ કરવાને બદલે વિવિધ વિસ્તારોમાં પદયાત્રા કરી જાહેર સ્થળો, રસ્તાઓ તેમજ આસપાસની સ્વચ્છતા વ્યવસ્થાની જાતે ચકાસણી કરી હતી. આ દરમિયાન બોડેલી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સંબંધિત અધિકારીઓ પણ તેમની સાથે જોડાયા હતા અને શહેરમાં ચાલી રહેલી સફાઈ કામગીરી અંગે કલેક્ટરે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. શહેરમાં નિયમિત સફાઈ થાય, જાહેર સ્થળોએ સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે સ્વચ્છતા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા કલેક્ટર ગાર્ગી જૈને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. સાથે જ નગરપાલિકા તંત્રને સ્વચ્છતા અંગે સતત દેખરેખ રાખવા અને શહેરમાં સ્વચ્છતાનું યોગ્ય સ્તર જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.