અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – ૫ ઓક્ટોબરના રોજ યોજાનાર ખેડૂત સંમેલનના આયોજન અંગે કલેક્ટર મિલિન્દ બાપના અને જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈને સમીક્ષા બેઠક યોજાઈ

અરવલ્લી જિલ્લામાં તા. ૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ યોજાનાર ખેડૂત સંમેલનના સુચારુ આયોજન અને જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા અર્થે જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપના તથા જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈનની ઉપસ્થિતિમાં સંબંધિત અધિકારીઓ અને ટીમ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.બેઠક દરમિયાન આગામી ખેડૂત સંમેલનના આયોજન, સ્થળ વ્યવસ્થા, ખેડૂત ભાઈ-બહેનોની સહભાગિતા, વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવનાર કામગીરી સહિતની તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ખેડૂત સંમેલનમાં પ્રાકૃતિક ખેતીના મહત્વ, પદ્ધતિઓ, ઉપલબ્ધ યોજનાઓ તથા ખેડૂતોને મળતા લાભો અંગે માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળતા મેળવનાર ખેડૂતો પોતાના અનુભવો અને સફળતાની સફળ ગાથા અન્ય ખેડૂતો સાથે વહેંચશે, જેથી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન મળે અને અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત થાય.સંમેલન દરમિયાન ખેડૂતોને ઉપયોગી અને વ્યવહારુ માહિતી મળી રહે તેમજ સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










