સુરેન્દ્રનગરમાં ચૂંટણી પંચ સામે કોંગ્રેસનો રોષ: કલેક્ટર કચેરી પહોંચે તે પૂર્વે જ રેલી અટકાવાઈ, ઘર્ષણ વચ્ચે અટકાયત

તા.28/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

મતદાર યાદીમાં પારદર્શિતા અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે યોજાયો હતો વિરોધ કાર્યક્રમ

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા મતદાર યાદીના મુદ્દા અને ચૂંટણી પંચની કામગીરી સામે ઉગ્ર વિરોધ દર્શાવવા એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ રેલી પોતાના નિર્ધારિત સ્થાન એટલે કે જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચે તે પૂર્વે જ પોલીસે માર્ગ પર જ તેને અટકાવી દઈ કોંગ્રેસના મુખ્ય આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. આ કાર્યવાહીને પગલે કોંગ્રેસ છાવણીમાં ભારે રોષ અને નારાજગી વ્યાપી ગઈ છે. મળતી વિગતો અનુસાર, સુરેન્દ્રનગરના ઐતિહાસિક રાજ ચોક ખાતે બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરી કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા. લોકશાહી અને મતદારોના મૂળભૂત અધિકારોના રક્ષણનો સૂર બુલંદ કરીને કાર્યકરોએ કલેક્ટર કચેરી તરફ કૂચ શરૂ કરી હતી. રેલી દરમિયાન કાર્યકરોએ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે ચૂંટણી પંચ અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને સમગ્ર વિસ્તાર ગંજવી મૂક્યો હતો. કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલી આ વિરોધ રેલીમાં મુખ્યત્વે ત્રણ મહત્વના મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા હતા જેમકે મતદાર યાદીમાં થતી ગડબડો અટકાવીને તેને સંપૂર્ણપણે પારદર્શક અને ભૂલરહિત બનાવવામાં આવે. ચૂંટણી પ્રક્રિયામાં લોકશાહીના મૂલ્યો જળવાય તે માટે પંચે તટસ્થતા દાખવવી જોઈએ. કામગીરીમાં કથિત નિષ્ફળતા અને અસંતોષને પગલે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તુરંત રાજીનામું આપે તેવી માંગ દોહરાવવામાં આવી હતી. કોંગ્રેસની આ રેલી કલેક્ટર કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવે તે પહેલાં જ પોલીસે તેને માર્ગમાં અટકાવી દીધી હતી. પોલીસ તંત્ર તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ વિરોધ રેલી માટે કોઈ પૂર્વ મંજૂરી મેળવવામાં આવી ન હતી. મંજૂરી વગર યોજાયેલી રેલીને આગળ વધતી રોકવા માટે પોલીસે રાજ ચોક અને કલેક્ટર કચેરી તરફ જવાના માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો. રેલી અટકાવવા દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ અને તંગદિલીના દ્રશ્યો સર્જાયા હતા. આખરે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે જિલ્લા કક્ષાના આગેવાનો સહિત અનેક કાર્યકરોની સ્થળ પરથી જ અટકાયત કરી પોલીસ વાહનોમાં ખસેડ્યા હતા. પોલીસ કાર્યવાહીથી નારાજ કોંગ્રેસના અગ્રણીઓએ સત્તાધારી પક્ષ અને તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, “જનતાના અને મતદારોના અધિકારો માટે અવાજ ઉઠાવવો એ લોકશાહીમાં દરેક નાગરિકનો અધિકાર છે. તંત્ર દ્વારા પોલીસ બળનો ઉપયોગ કરીને આ અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ લડાઈ માત્ર રાજકીય નથી પરંતુ જનઆંદોલન છે અને આગામી દિવસોમાં પણ આ લડત વધુ આક્રમક રીતે ચાલુ રહેશે.” બીજી તરફ પોલીસ વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે વગર મંજૂરીએ યોજાતા કાર્યક્રમો સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટના બાદ સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. એક તરફ કોંગ્રેસે આ વિરોધને વ્યાપક બનાવવાની ચીમકી આપી છે, તો બીજી તરફ વહીવટી તંત્ર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. આગામી દિવસોમાં કોંગ્રેસના આગામી વિરોધ પ્રદર્શનો અને તંત્રના વલણ પર સમગ્ર જિલ્લાની નજર મંડાયેલી રહેશે.

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો