યોગેશ કાનાબાર રાજુલા
અમરેલીમાં કરોડોનું મહાકૌભાંડ! ‘SD Pay’ના નામે 635 કરોડની ઠગાઈનો પર્દાફાશ
દૈનિક ઊંચા વળતર અને 15 લેવલના રેફરલ કમિશનની લાલચ આપી લાખો રોકાણકારોને જાળમાં ફસાવ્યા
અમરેલી પોલીસની SITની મોટી કાર્યવાહી : સુરત, મહેસાણા અને ગાંધીનગરમાંથી 6 આરોપીઓ ઝડપાયા
અમરેલી: અમરેલીમાં સામે આવેલા રાજ્યના ચર્ચાસ્પદ અને વિશાળ સાયબર ફ્રોડ કેસમાં અમરેલી પોલીસને મોટી સફળતા મળી છે. ‘SD Pay’ ઉર્ફે ‘Apna Pay’ મોબાઇલ એપ્લિકેશન મારફતે દૈનિક ઊંચા વળતર અને રેફરલ બોનસની લાલચ આપી ગુજરાત સહિતના લાખો રોકાણકારો સાથે અંદાજે રૂ.635 કરોડની ઠગાઈ આચરવામાં આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.

કેસની ગંભીરતાને ધ્યાને લઈ અમરેલી પોલીસ દ્વારા IPS જયવીર ગઢવીના નેતૃત્વ હેઠળ ખાસ SITની રચના કરવામાં આવી હતી. SIT દ્વારા હાથ ધરાયેલી તપાસમાં સુરત, મહેસાણા અને ગાંધીનગરમાંથી કૌભાંડ સાથે સંકળાયેલા 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ અંગે અમરેલી પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર કૌભાંડની વિગતો જાહેર કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ‘SD Pay’ એપ્લિકેશન તૈયાર કરી તેને પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરાવી હતી. આ એપ્લિકેશનના 10 લાખથી વધુ ડાઉનલોડ્સ અને યુઝર્સ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓ પોતાના રેફરલ મારફતે અંદાજે દોઢથી પોણા બે લાખ લોકોને આ નેટવર્ક સાથે જોડવામાં સફળ થયા હોવાનું પોલીસનું અનુમાન છે.
કૌભાંડનું નેટવર્ક ઊભું કરવા માટે આરોપીઓએ ‘SD Hub’, ‘Shiv Dharati Communication’ અને ‘Upay Digi’ સહિત કુલ 7 બોગસ કંપનીઓ ઊભી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ કંપનીઓના અલગ-અલગ 15 બેંક ખાતાઓમાં અંદાજે રૂ.635 કરોડના ટ્રાન્ઝેક્શન તથા જમા રકમ મળી આવી છે. એટલું જ નહીં, NCCRP પોર્ટલ પર પણ આ કંપનીઓના બેંક ખાતાઓ વિરુદ્ધ દેશભરમાંથી 83 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
રોજના 0.15%થી 0.30% વળતરની લાલચ
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ દ્વારા લોકોને રૂ.1,000થી લઈને રૂ.5 લાખ કે તેથી વધુનું રોકાણ કરાવી તેના પર રોજનું 0.15%થી 0.30% સુધીનું વળતર આપવાની લાલચ આપવામાં આવતી હતી. સાથે જ 15 લેવલ સુધીનું રેફરલ કમિશન આપવાની ઓફર કરી વધુમાં વધુ લોકોને નેટવર્કમાં જોડવામાં આવતા હતા.
હાલ SIT દ્વારા ઝડપાયેલા તમામ 6 આરોપીઓના 30થી 35 જેટલા બેંક ખાતાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ તપાસનો વ્યાપ વધતા કૌભાંડની રકમ, ભોગ બનનાર લોકો અને સંડોવાયેલા આરોપીઓની સંખ્યા હજુ વધી શકે છે.
ગુજરાતનું સૌથી મોટું પોન્ઝી સ્કીમ જેવું કૌભાંડ બનવાની શક્યતા
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં સામે આવેલા આંકડા જોતા આ કેસ પોન્ઝી સ્કીમ જેવી મોડસ ઓપરેન્ડી ધરાવતું ગુજરાતનું સૌથી મોટું કરોડો રૂપિયાનું કૌભાંડ સાબિત થઈ શકે છે. SITની તપાસ આગળ વધતા વધુ બેંક ખાતાઓ, વધુ આરોપીઓ અને મોટા પ્રમાણમાં ભોગ બનનારાઓ સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
635 કરોડના ટ્રાન્ઝેક્શનથી ખળભળાટ મચાવનાર આ કૌભાંડમાં હવે તપાસની સોય કયા મોટા માથા સુધી પહોંચે છે તેના પર સૌની નજર છે.










