બોડેલી તાલુકાના સૂર્યા ઘોડા પ્રાથમિક ગ્રુપ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા દક્ષાબેન રાઠવાની તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતાં શાળા પરિવાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ગત વર્ષ દરમિયાન દક્ષાબેન રાઠવાએ શિક્ષણ કાર્યની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરીમાં ઉત્સાહપૂર્વક યોગદાન આપ્યું હતું, જેને ધ્યાને લઈ તેમની તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ ગત ૫ સપ્ટેમ્બરના રોજ જિલ્લા પંચાયત વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા સન્માન સમારોહમાં જિલ્લાના જનપ્રતિનિધિઓ દ્વારા દક્ષાબેન રાઠવાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ બદલ સૂર્યા ઘોડા પ્રાથમિક ગ્રુપ શાળાના શિક્ષક પરિવાર દ્વારા પણ દક્ષાબેન રાઠવાને પુષ્પગુચ્છ અર્પણ કરી, શાલ ઓઢાડી અને અભિનંદન પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા. દક્ષાબેન રાઠવાને મળેલા આ સન્માનથી સૂર્યા ઘોડા પ્રાથમિક શાળા સાથે સમગ્ર બોડેલી તાલુકાના શિક્ષક પરિવારનું ગૌરવ વધ્યું હોવાનું ઉપસ્થિત શિક્ષકોએ જણાવ્યું હતું. આ પ્રસંગે શાળામાં વધારામાં પડેલા શિક્ષક રવિભાઈને પણ શાળા પરિવાર દ્વારા શાલ ઓઢાડી ભાવભીની વિદાય આપવામાં આવી હતી. સાથે જ સૂર્યા ઘોડા પ્રાથમિક ગ્રુપ શાળાના આશરે ૧૪ જેટલા શિક્ષકોને એનપીએસનો લાભ મળતા શિક્ષક પરિવારમાં આનંદની લાગણી જોવા મળી હતી અને તમામ શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગ્રુપાચાર્ય ભાવનાબેન જોષી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાકેશ પટેલ સહિત શાળા પરિવારના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ મેળવનાર દક્ષાબેન રાઠવાને શુભેચ્છાઓ પાઠવી હતી. સન્માનનો પ્રત્યુત્તર આપતા દક્ષાબેન રાઠવાએ જણાવ્યું હતું કે તેમને મળેલો એવોર્ડ અને સન્માન માત્ર તેમનું વ્યક્તિગત સન્માન નથી, પરંતુ શાળાના વિદ્યાર્થીઓના સન્માન સમાન છે. તેમણે આ સન્માન માટે શાળા પરિવારનો આભાર વ્યક્ત કરી, ગ્રુપની અન્ય શાળાઓમાં કાર્યરત શિક્ષકો પણ પોતાની શ્રેષ્ઠ કામગીરી દ્વારા ભવિષ્યમાં આવા સન્માન મેળવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.