તા.૧૭.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર 
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના પરેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓનો ભારે ઉત્સાહ: માઁ શક્તિ નવરાત્રી મહોત્સવમાં છઠ્ઠા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા
રંગીન રોશની અને ખેલૈયાઓના પરંપરાગત રાસ-ગરબાની રમઝટથી પરેલ ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘માઁ શક્તિ નવરાત્રી મહોત્સવ’માં ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. નવરાત્રીના છઠ્ઠા નોરતે પરેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.કાર્યક્રમની શરૂઆત માઁ શક્તિની ભવ્ય મહાઆરતીથી કરવામાં આવી હતી, જેમાં આયોજકો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. આરતી બાદ રંગબેરંગી ઝગમગતી રોશની અને ઢોલ-શરણાઈના તાલે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. પ્રાચીન અને અર્વાચીન ગરબાના તાલે નાના બાળકોથી લઈને મોટેરાઓ મોડી રાત સુધી ઝૂમ્યા હતા.છઠ્ઠા નોરતે ખેલૈયાઓ ચણિયાચોળી, કેડીયા અને રજવાડી ગ્રામીણ પહેરવેશમાં સજ્જ થઈને આવ્યા હતા, જેનાથી સમગ્ર ગ્રાઉન્ડ પરંપરાગત રંગોથી રંગાઈ ગયું હતું. માઁ જગદંબાની ભક્તિ સાથે ખેલૈયાઓમાં અનોખો તરવરાટ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં રમતગમત પ્રેમીઓ અને નગરજનો પણ આ ગરબા મહોત્સવ નિહાળવા અને ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા ઉમટી પડ્યા હતા.આયોજક મંડળ દ્વારા ખેલૈયાઓ અને દર્શકો માટે સુંદર વ્યવસ્થા તેમજ સુરક્ષાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ ગરબા રમનાર તેમજ શ્રેષ્ઠ ડ્રેસિંગ ધરાવતા ખેલૈયાઓને પ્રોત્સાહક ઇનામો પણ એનાયત કરવામાં આવ્યા હતા.









