પ્રતિનિધિ ગોધરા તા.18

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 
ગોધરા તાલુકાની કાંકણપુર આર્ટસ કોમર્સ કોલેજના આચાર્ય ડો. જગદીશ પટેલનો વિદાય સમારંભ યોજાયો
સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કાંકણપુર સ્થિત શ્રી જે.એલ.કે. કોટેચા આર્ટસ એન્ડ શ્રીમતી એસ.એચ. ગાડી કોમર્સ કોલેજના આચાર્ય ડો. જે.પી. પટેલનો વિદાય સમારંભ યોજાયો હતો. તેમની ૩૫ વર્ષની શૈક્ષણિક સેવાની પૂર્ણાહુતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૪૦૦ જેટલા શિક્ષણવિદો, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષ ૧૯૯૧માં કાંકણપુર કોલેજના સમાજશાસ્ત્ર વિભાગથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કરનાર ડો. જગદીશ પટેલે સંસ્થામાં બે વખત આચાર્ય તરીકે ફરજ બજાવી હતી. આચાર્ય ઉપરાંત તેમણે રમતગમત, યુવક મહોત્સવ અને પરીક્ષાલક્ષી વિદ્યાર્થી માર્ગદર્શનમાં કામગીરી કરી હતી. તેમણે ગુજરાત યુનિવર્સિટી અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિભાગના વડા તરીકે તેમજ જી-સેટ, પી.એચ.ડી. પરીક્ષાઓ અને એલ.આઈ.સી.માં વિષય નિષ્ણાત તરીકે પણ સેવાઓ આપી છે.
આ વિદાય સમારંભના અધ્યક્ષસ્થાને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હરિભાઈ કાતરીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કુલસચિવ ડૉ. અનિલભાઈ સોલંકી, સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મૌલિનભાઈ શાહ, ટ્રસ્ટીઓ નવીનભાઈ શાહ અને નલીનભાઈ શાહ, આચાર્યમંડળના પ્રમુખ મહેશ પટેલ, યુનિવર્સિટીના વિભાગીય અધ્યાપકો, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો તેમજ વિવિધ કોલેજના આચાર્યો અને અધ્યાપકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ડૉ.જગદીશ પટેલની કાર્યશૈલી અંગે વક્તવ્યો આપ્યા હતા.
આ પ્રસંગે કોલેજના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ દ્વારા ડૉ.જગદીશ પટેલને શાલ, નારિયેળ, સાકર, સન્માનપત્ર અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મોસીન ગારાણાએ પ્રાર્થના રજૂ કરી હતી. સમારંભનું સંચાલન ડો. એસ.એસ. રખિયાણીયાએ કર્યું હતું અને આભારવિધિ ડૉ. જયંતીભાઈ પટેલે કરી હતી. અંતમાં ઉપસ્થિત લોકોએ ડૉ.જગદીશ પટેલને તેમના નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.










