જામનગરમાં લાયસન્સ વિના સંગ્રહ કરાયેલા રૂ. ૬.૬૭ લાખના ફટાકડા સાથે એક શખ્સ ઝડપાયો

બેડેશ્વર વિસ્તારમાં ગોડાઉન પર એસ.ઓ.જી.નો દરોડો : વિવિધ બ્રાન્ડના ફટાકડાના ૩૯૨ બોક્સ કબજે કરી ગોડાઉન સીલ કરાયું
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર, તા. ૧૮ : જામનગર શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરવાની પ્રવૃત્તિ સામે સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ (એસ.ઓ.જી.) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર દરોડો પાડી પોલીસે લાયસન્સ કે પરવાના વિના સંગ્રહ કરાયેલા રૂ. ૬,૬૭,૮૩૦ની કિંમતના વિસ્ફોટક ફટાકડાના ૩૯૨ બોક્સ કબજે કરી એક વેપારીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી બાદ ગોડાઉનને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજાને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે બેડેશ્વર વિસ્તારમાં શક્તિ ફર્નિચરની બાજુમાં આવેલા ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે.આ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે સ્થળ પર દરોડો પાડતાં ગોડાઉનમાંથી વિવિધ કંપનીઓના વિસ્ફોટક ફટાકડાના કુલ ૩૯૨ બોક્સ મળી આવ્યા હતા. ગોડાઉનના વેપારી સચીન બચુભાઈ ભારાઈ (રહે. વાસી રબારી પાળો, જકાત નાકા પાસે, જામજોધપુર) દ્વારા કોઈપણ પ્રકારના લાયસન્સ કે પરવાના વિના ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.વધુમાં ગોડાઉનમાં આગ જેવી આકસ્મિક ઘટના સામે રક્ષણ મેળવવા માટે જરૂરી ફાયર સેફ્ટીનાં સાધનોનો પણ અભાવ જોવા મળ્યો હતો. પાણીની ડોલ, રેતીની ડોલ સહિતનાં પ્રાથમિક અગ્નિશામક સાધનો પણ રાખવામાં આવ્યાં ન હતાં. આવી જોખમી પરિસ્થિતિમાં વિસ્ફોટક ફટાકડાનો મોટો જથ્થો સંગ્રહ કરવાથી આસપાસના લોકોના જીવને જોખમ ઊભું થવાની શક્યતા હોવાનું પોલીસે જણાવ્યું હતું
આથી એસ.ઓ.જી.ની ટીમે રૂ. ૬.૬૭ લાખથી વધુની કિંમતના ફટાકડાનો તમામ જથ્થો કબજે કરી વેપારી સચીન ભારાઈ સામે જામનગર સિટી ‘બી’ ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૨૫, ૨૮૭, ૨૮૮ તથા એક્સપ્લોઝિવ એક્ટ-૧૮૮૪ની કલમ ૯(બી) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ગેરકાયદેસર ફટાકડાનો સંગ્રહ કરાયેલા ગોડાઉનને સીલ કરવામાં આવ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેર અને એ.વી. ખેર સહિતના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર પ્રકરણની વધુ તપાસ એસ.ઓ.જી. દ્વારા હાથ ધરવામાં આવી છે.











