જામનગરમાં તિરુપતિ સોસાયટીના એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ ના બીજા માળે આવેલી રેડીમેડ કપડાંની દુકાનમાં આગથી દોડધામ

ક્રિએશન ‘૫૫૫’ નામની દુકાનમાં લાખોનો કપડાંનો જથ્થો અને ફર્નિચર બળીને ખાખ; ફાયર બ્રિગેડનાં બે ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા. ૨: જામનગર શહેરના તિરૂપતિ સોસાયટી વિસ્તારમાં આવેલી એક ઇમારતના બીજા માળે ક્રિએશન ૫૫૫ નામની રેડીમેડ કપડાંની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં ભારે દોડધામ અને અફડાતફડી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દુકાનમાં રાખેલો લાખોની કિંમતનો કપડાંનો જથ્થો તેમજ ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં બેડેશ્વર ફાયર શાખાની ટીમ બે ફાયર ફાઇટર અને ક્રેઇન સાથે સ્થળ પર દોડી ગઈ હતી અને બે ટેન્કર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
આ બનાવની વિગત મુજબ, શહેરના તિરૂપતિ સોસાયટી વિસ્તારમાં આવેલી ઇમારતના બીજા માળે ‘ ક્રિએસન ૫૫૫’ નામની રેડીમેડ કપડાંની દુકાન આવેલી છે. ગત રાત્રે આશરે પોણા નવ વાગ્યાના સુમારે દુકાનમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં દોડધામ મચી ગઈ હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દુકાનદાર સહિતનો સ્ટાફ બહાર નીકળી ગયો હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ બેડેશ્વર ફાયર શાખાની ટીમ બે ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આગના કારણે દુકાનમાં રાખેલો રેડીમેડ કપડાંનો મોટો જથ્થો અને ફર્નિચર બળીને ખાખ થઈ જતાં મોટું આર્થિક નુકસાન થયું હતું. પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી.
બીજા માળે આવેલી દુકાનમાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં પણ ચિંતા અને દોડધામનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે અન્ય દુકાનો બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી.











