MORBI:મોરબીના મકનસરમાં રહેણાંક મકાનમાંથી ₹૫૩ હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો: આરોપી ફરાર

મોરબી તાલુકા પોલીસે મકનસર ગામના પ્રેમજીનગર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાન પર દરોડો પાડી વિદેશી દારૂની ૮૯ બોટલો ઝડપી પાડી છે. પોલીસે કુલ ₹૫૩,૮૫૫/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિગત અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મકનસર ગામના પ્રેમજીનગરમાં રહેતા કરણભાઈ ધર્મેન્દ્રભાઈ ચૌહાણના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. મકાનની તલાશી લેતાં ત્યાંથી ગેરકાયદેસર રાખવામાં આવેલી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી કુલ ૮૯ બોટલો (કિંમત ₹૫૩,૮૫૫/-) મળી આવી હતી.
પોલીસ રેઇડ દરમિયાન આરોપી કરણ ચૌહાણ સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. આથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઈ આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.












