ખંભાળિયામાં ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝ દિવ્યાંગ સાધન સહાય વિતરણ તથા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ

સાંસદશ્રી જિતેન્દ્રભાઈ કણજારિયાના હસ્તે દિવ્યાંગોને સાધન વિતરણ કરાયું, નશામુક્ત પ્રતિજ્ઞા, વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયાં
જામનગર
(નયના દવે દ્વારા)
ગાંધી જયંતિના અવસરે ‘સેવા મેરા યોગદાન’ને કેન્દ્રમાં રાખીને ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. જૂની કોર્ટ બિલ્ડીંગ, જોધપુર ગેટ ખાતે આવેલ સરકારી ચિલ્ડ્રન હોમમાં યોજાયેલ આ કાર્યક્રમમાં દિવ્યાંગ લાભાર્થીઓને દિવ્યાંગ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના સાંસદશ્રી જિતેન્દ્રભાઈ કણજારિયા સહિત સ્થાનિક હોદ્દેદારો, મામલતદારશ્રી વ્યાસ વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. મહાનુભાવોએ સંસ્થાની મુલાકાત લીધી હતી અને સંસ્થામાં રહેતા બાળકો સાથે સીધો સંવાદ કરી તેમની સાથે સમય વિતાવ્યો હતો. કાર્યક્રમમાં સૌ ઉપસ્થિતોએ સાથે મળીને ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત નશામુક્તિની પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ખોવાઇ ગયેલા બાળકો, અનાથ બાળકો, ચાઇલ્ડ ટ્રાફિકિંગમા મળેલા બાળકો, રેલ્વે કે ટ્રાંઝીટથી ભુલમા અન્ય જિલ્લા કે રાજ્યમા આવી ગયેલા બાળકો, વગેરે નિરાધાર બાળકોની સંભાળ રાખવાના હેતુથી કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને સુરક્ષા) અધિનિયમ, ૨૦૧૫ની જોગવાઈ અનુસાર જિલ્લામાં ચિલ્ડ્રન હોમ સ્થાપવામાં આવે છે, જેમાં કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોને આશ્રય આપવામાં આવે છે અને તેમની સારવાર, શિક્ષણ, તાલીમ, વિકાસ અને પુનર્વસનની પ્રક્રિયા કરવામાં આવે છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત જિલ્લા સમાજ સુરક્ષા કચેરીની દેખરેખમાં આ હોમનું સંચાલન કરવામાં આવે છે. સેવાભાવી સંસ્થાઓ તેમજ દાતાશ્રીઓ આ સંસ્થામાં બાળકોનું ભોજન વગેરે સેવાકીય સહયોગ આપી શકે છે.










