MORBI :મોરબીમાં શહીદોના પરિવારોના લાભાર્થે સતત 12માં વર્ષે ‘પાટીદાર નવરાત્રી મહોત્સવ’નું ભવ્ય આયોજન

મોરબી:દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ જવાનોના પરિવારોની સહાય માટે મોરબીમાં છેલ્લા 12 વર્ષથી પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ જાણીતા આયોજક અજય લોરિયા દ્વારા આ મહોત્સવનું ભવ્ય અને ગરિમાપૂર્ણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

વધુ 25 શહીદ પરિવારોને ₹25 લાખની સહાય અર્પણ કરાશે – આયોજક અજય લોરિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 301 શહીદ પરિવારોને કુલ ₹4 કરોડ 76 લાખની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. આ પરંપરા આગળ ધપાવતાં 12માં વર્ષે પણ 25 શહીદ પરિવારોને આમંત્રિત કરી, પ્રત્યેક પરિવારને ₹1 લાખ લેખે કુલ ₹25 લાખની સહાયના ચેક અર્પણ કરવામાં આવશે.
આ વર્ષનું મુખ્ય આકર્ષણ: નવે – નવ દિવસ ‘મંડળી રાસ’ખેલૈયાઓની વિશેષ માંગણીને ધ્યાને રાખી આ વર્ષે અમદાવાદ, સુરત અને વડોદરાની તર્જ પર મોરબીમાં પણ ગરબા પૂર્ણ થયા બાદ શરણાઈ અને ઢોલના તાલે નવે નવ દિવસ પરંપરાગત ‘મંડળી રાસ’ની જમાવટ થશે.
‘નો તિલક, નો એન્ટ્રી’નો કડક નિયમ અને જાણીતા કલાકારોનો સંગમ – સંસ્કૃતિ અને પરંપરાના જતન સાથે આ મહોત્સવમાં ‘નો તિલક, નો એન્ટ્રી’નો નિયમ લાગુ કરાયો છે. પ્રવેશદ્વાર પર 11 ભૂદેવો ઉપસ્થિત રહી પ્રત્યેક ખેલૈયાને તિલક કરીને જ પ્રવેશ આપશે. મહોત્સવમાં જાણીતા કલાકારો સાગરદાન ગઢવી, વૈભવી ત્રિવેદી, રૂપાલી જાંબુચા અને કરણ બારોટ ગરબાની રમઝટ બોલાવશે. 30 વીઘાના વિશાળ મેદાનમાં 25,000 જેટલા ખેલૈયાઓ એકસાથે રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે સાઉન્ડ સિસ્ટમની જવાબદારી મારુતિ સાઉન્ડના વલ્લભભાઈ સંભાળી રહ્યા છે.
આઠમના દિવસે જાહેર હિસાબ રજૂ કરાશે – કાર્યક્રમમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આસો સુદ આઠમના દિવસે માં ઉમિયાના ચરણોમાં અને ઉપસ્થિત જનમેદની સમક્ષ પાઈ-પાઈનો હિસાબ જાહેર કરવામાં આવશે.
આયોજક અજય લોરિયાએ સૌ ખેલૈયાઓને ફ્રી પાસનો આગ્રહ ન રાખીને, પાસ ખરીદી શહીદ પરિવારોની સહાયમાં સહભાગી બનવા નમ્ર અપીલ કરી છે. નવરાત્રી મહોત્સવના પાસ જય ટેલિકોમ, વિશાળ સ્ટોર અને અવની ચોકડી સ્થિત વોડાફોન સ્ટોર પરથી ઉપલબ્ધ રહેશે.












