અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
દૂધ સંજીવની યોજનાનો અરવલ્લીમાં વધુ વિસ્તરણ : મોડાસા, માલપુર, ધનસુરા અને બાયડ ઘટકમાં યોજનાનો શુભારંભ
અરવલ્લીના ૬૪ હજારથી વધુ બાળકો અને ૮,૬૦૦થી વધુ સગર્ભા તથા ધાત્રી માતાઓને મળશે પોષણનો લાભ

અરવલ્લી જિલ્લામાં બાળકો અને માતાઓના પોષણને વધુ મજબૂત બનાવવાના હેતુસર અમલમાં રહેલી **‘દૂધ સંજીવની યોજના’**નો વધુ વિસ્તરણ કરવામાં આવ્યો છે. જિલ્લામાં આદિજાતિ તાલુકાઓમાં આ યોજના પહેલેથી જ અમલમાં છે ત્યારે હવે તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬થી નોન-ટ્રાયબલ વિસ્તારના મોડાસા, માલપુર, ધનસુરા અને બાયડ ઘટકના તમામ આંગણવાડી કેન્દ્રોમાં પણ યોજનાનો લાભ ઉપલબ્ધ બન્યો છે.યોજનાના વિસ્તરણ અંતર્ગત ચારેય ઘટકના આંગણવાડી કેન્દ્રોમાં માન. તાલુકા પ્રમુખ, તાલુકા ડેલિકેટ, મહિલા મોરચા મંત્રી, સરપંચ તથા ગામના આગેવાનોના હસ્તે ‘દૂધ સંજીવની યોજના’નો શુભારંભ કરી બાળકોને દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવા ચાર ઘટકો ઉમેરાતા આંગણવાડી કેન્દ્રોના ૬ માસથી ૬ વર્ષ સુધીના ૩૮,૭૦૦થી વધુ બાળકો અને ૫,૧૦૦થી વધુ સગર્ભા તથા ધાત્રી માતાઓને લાભ મળશે. આ વિસ્તરણ સાથે સમગ્ર અરવલ્લી જિલ્લામાં કુલ ૬૪,૦૦૦થી વધુ બાળકો તથા ૮,૬૦૦થી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓ આ યોજનાથી લાભાન્વિત થશે.
યોજના હેઠળ ૬ માસથી ૬ વર્ષ સુધીના બાળકોને અઠવાડિયામાં પાંચ દિવસ, સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રતિદિન ૧૦૦ મિલી વિટામિન ‘એ’ અને ‘ડી’થી ફોર્ટિફાઇડ પેશ્ચરાઇઝ્ડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવશે. જ્યારે સગર્ભા અને ધાત્રી માતાઓને અઠવાડિયામાં બે દિવસ, બુધવાર અને શુક્રવારના રોજ પ્રતિદિન ૨૦૦ મિલી પેશ્ચરાઇઝ્ડ ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવશે. દૂધના નિયમિત સેવનથી બાળકોના પોષણસ્તરમાં સુધારો થવા સાથે તેમના સ્વસ્થ અને સર્વાંગી વિકાસને વેગ મળશે તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને પણ મજબૂતી મળશે.
‘સ્વસ્થ બાળક… સુખી પરિવાર… સમૃદ્ધ ભારત’ના સંકલ્પ સાથે દૂધ સંજીવની યોજનાના વિસ્તરણથી જિલ્લાના વધુ બાળકો અને માતાઓ સુધી પોષણનો લાભ પહોંચાડવામાં આવશે.








