અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
પોષણ માહ-૨૦૨૬ અંતર્ગત અરવલ્લી જિલ્લાની ૧૨૦૫ પ્રાથમિક શાળાઓમાં પ્રાકૃતિક કિચન ગાર્ડન વિકસાવાશે
માલપુર તાલુકાની ૧૪૦ પ્રાથમિક શાળાઓમાં પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ

પોષણ માહ-૨૦૨૬ અંતર્ગત વિદ્યાર્થીઓમાં પોષણ, પ્રાકૃતિક ખેતી તેમજ તાજા અને પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ કેળવવાના હેતુથી અરવલ્લી જિલ્લાની ૧૨૦૫ પ્રાથમિક શાળાઓમાં પ્રાકૃતિક કિચન ગાર્ડન વિકસાવવાની મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આગામી બે માસમાં જિલ્લાના તમામ તાલુકાઓની શાળાઓમાં ઓછામાં ઓછા પાંચ પ્રકારના શાકભાજી જેવા કે દુધી, ટામેટા, ધાણા, મરચાં, રીંગણ, પાલક, ગલકાં, તુરીયા, કાકડી, મેથી અને ફુદીના સહિતના શાકભાજીનું પ્રાકૃતિક પદ્ધતિથી વાવેતર કરી કિચન ગાર્ડન વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત માલપુર તાલુકાની ૧૪૦ પ્રાથમિક શાળાઓને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવી છે.
આજરોજ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ માલપુર તાલુકાની સાતરડા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પુરવઠા અધિકારી ના હસ્તે પ્રાકૃતિક કિચન ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આત્મા (ATMA)ના તાલીમકારો દ્વારા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને પ્રાકૃતિક ખેતીના મહત્વ અને તેના ફાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કિચન ગાર્ડનના માધ્યમથી વિદ્યાર્થીઓને શાકભાજીના વાવેતરથી લઈને ઉત્પાદન સુધીની પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ મળશે. શાળામાં ઉત્પાદિત પ્રાકૃતિક શાકભાજીનો મધ્યાહન ભોજનમાં ઉપયોગ કરવામાં આવશે, જેના પરિણામે વિદ્યાર્થીઓને તાજો, પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહેવાની સાથે સ્થાનિક સ્તરે ઉત્પાદિત શાકભાજીના ઉપયોગને પણ પ્રોત્સાહન મળશે. કિચન ગાર્ડનની નિયમિત જાળવણી અને સુચારુ કામગીરી માટે વિવિધ વિભાગોને જવાબદારીઓ સોંપી જરૂરી હુકમ કરવામાં આવ્યા છે.








