વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા વઘઈ-આહવા રાજય ધોરીમાર્ગનાં ઢાઢરા ફાટક નજીકના તીવ્ર વળાંક પાસે એક અત્યંત દર્દનાક અકસ્માત સર્જાયો છે.ગાંધીનગરથી બ્રેઝા કાર.ન.જી.જે.18.ઈ. એ.5480માં સવાર થઈને ચાર મિત્રો દક્ષિણ ગુજરાતનાં ડાંગ જિલ્લામાં મિત્રોને મળવા માટે આવી રહ્યા હતા.બાદમાં ડાંગનાં વઘઇ ગોળ સર્કલ પાસે આવી ત્રણ- ત્રણ મિત્રો વહેંચાઈ જઈ અલગ અલગ ફોર વહીલ ગાડીમાં બેસી આહવા તરફ નીકળ્યા હતા. આ બ્રેઝા કારમાં અગાઉ સુબિર ખાતે નાયબ મામલતદાર તરીકે અને હાલમાં નર્મદા કલ્પસર વિભાગ ખાતેનાં ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી મામલતદાર તરીકે ફરજ બજાવતા સંદીપભાઈ લક્ષ્મણભાઈ ડામોર, આણંદ ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સોનુભાઈ સોમજીભાઈ બારીયા,ડાંગનાં ગલકુંડ ખાતે MPHW તરીકે ફરજ બજાવતા શૈલેષકુમાર ઉર્ફે સિદ્ધાર્થ ગરાસિયાનાઓ સવાર હતા.જેઓ વઘઈ-આહવા રોડ પરથી પસાર થતી વખતે રાત્રે આશરે સાડા ચાર વાગ્યાના સુમારે વાહનચાલક સંદીપભાઈ ડામોરે અચાનક ગાડીના સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેને કારણે કાર રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી અને રસ્તા પરની સેફ્ટી એંગલ/રેલિંગ તોડીને સીધી ઊંડા ખાપરી નદીના પાણીમાં ખાબકી હતી.આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર સંદીપભાઈ ડામોર અને શૈલેષભાઈ ગરાસિયાનું સ્પોટ પર જ ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે આ ઘટના દરમિયાન મોડી રાત્રે ધડાકાનો અવાજ સાંભળીને નજીકના ભવાડી ગામના સ્થાનિક રહીશ રમેશભાઈ ગંગારામભાઈ નિંબારે તથા અન્ય ગ્રામજનો તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.આ પરિસ્થિતિની ગંભીરતા જોઈ રમેશભાઈએ પોતાના જીવની પરવા કર્યા વિના મોડી રાત્રે નદીના પાણીમાં ઝંપલાવ્યું હતુ. તેમણે અથાક પ્રયાસો કરીને કારનો દરવાજો ખોલ્યો હતો અને કારમાંથી સોનુભાઈ બારીયાને સુખદ રીતે જીવતા બહાર કાઢી રેસ્ક્યૂ કર્યા હતા.ત્યારબાદ તેમણે સંદીપ ડામોર અને શૈલેષ ગરાસિયાને પણ બહાર કાઢવામાં મદદ કરી હતી.ઘટના બાદ ઈજાગ્રસ્ત સોનુભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બનાવ અંગેની જાણ થતાં જ વઘઈ પોલીસ સ્ટેશનનો તાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.વઘઇ પોલીસ મથકનાં પી.આઈ.એ.એ.ચાવડાની ટીમે મૃતકોના દેહનો કબ્જો મેળવી પંચનામું હાથ ધર્યું છે અને અકસ્માતના આ સમગ્ર ગુના અંગે આગળની કાનૂની તપાસ શરૂ કરી દીધી છે.









