ફૈઝ ખત્રી..શિનોર

શિનોર તાલુકાના તરવાથી ઉત્તરાજ ગામ તરફ જતો માર્ગ જિલ્લા પંચાયત હસ્તકનો છે. આ માર્ગ સાધલીથી કરજણ તેમજ સાધલીથી વડોદરા તરફ જતા માર્ગોને જોડતો હોવાથી અહીંથી દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે.
જોકે, ચોમાસાની ઋતુ દરમિયાન માર્ગની બંને બાજુએ મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યાં છે. જેના કારણે માર્ગ પર વળાંક સહિતના સ્થળોએ સામેથી આવતા વાહનો સ્પષ્ટ રીતે જોઈ શકાતા નથી. ખાસ કરીને સામસામે વાહનો પસાર થતા સમયે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિને કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેવી આશંકા પણ વાહનચાલકોમાં વ્યક્ત થઈ રહી છે.
માર્ગ પર વધતી ઝાડી-ઝાંખરાની સમસ્યાને લઈને વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે કોઈ જાનહાનિ કે અકસ્માતની ઘટના બને તે પહેલાં જવાબદાર તંત્ર દ્વારા આ માર્ગની તાત્કાલિક મુલાકાત લઈ રસ્તાની બંને બાજુ ઊગી નીકળેલી ઝાડી-ઝાંખરાની સફાઈ કરાવવામાં આવે તેવી વાહનચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે.
હવે જોવાનું એ રહ્યું કે વાહનચાલકોની આ સમસ્યાને ધ્યાનમાં લઈને જવાબદાર તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવે છે કે પછી કોઈ દુર્ઘટના બાદ જ તંત્ર
જાગશે?









