વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ગણદેવી પોલીસ સ્ટેશનની ટીમે પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી એક ટેમ્પામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ રૂ.૫.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ખારેલ ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન સેલવાસ-વાપી તરફથી સુરત-વડોદરા તરફ જતો સફેદ રંગનો ટાટા ACE ગોલ્ડ ટેમ્પો નં. GJ-15-AV-3410 રોકી તપાસ કરવામાં આવી હતી. જેમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ તથા ટીન બીયર મળી કુલ ૧,૧૫૨ નંગ, કિંમત રૂ. ૩,૪૦,૮૦૦, કુલ ૨૯૯.૫૨ લીટરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત રૂ. ૨.૫૦ લાખનો ટેમ્પો અને રૂ. ૫,૦૦૦નો મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૫૯૫.૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ કેસમાં પોલીસે નરેન્દ્રસિંહ લાલજીસિંહ પરસ્તે (ઉં.વ. ૨૭), હાલ ઉમરગામ, મૂળ મધ્યપ્રદેશની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર તરીકે વડોદરાના સોનુસિંહ તથા જથ્થો મંગાવનાર તરીકે ‘કાકા’ નામના વ્યક્તિ સહિત અન્ય સંડોવાયેલા આરોપીઓ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે ગણદેવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ પો.સ.ઈ. એન.એ. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. કાર્યવાહીમાં PI એન.આઈ. રાઠોડ, PSI એન.એ. પટેલ, ASI નિલેશભાઈ અરવિંદભાઈ તથા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.










