વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૪ સપ્ટેમ્બર : આઈ.સી.ડી.એસ. (ICDS) દ્વારા “સુપોષિત બાળક, સ્વસ્થ પરિવાર, સશક્ત સમાજ” ના સૂત્ર સાથે સમગ્ર કચ્છ જિલ્લામાં ૨૫ સપ્ટેમ્બરથી ‘આંગણોત્સવ’નો પ્રારંભ: પોષણ, આરોગ્ય અને બાળવિકાસને વેગ આપવા જિલ્લા પંચાયતનું વિશેષ આયોજન,ભુજ કચ્છ જિલ્લા પંચાયત અને ગાંધીધામ મહાનગરપાલિકા સંચાલિત આઈ.સી.ડી.એસ. (ICDS) શાખા દ્વારા “સુપોષિત બાળક, સ્વસ્થ પરિવાર, સશક્ત સમાજ” ના મંતવ્ય સાથે સમગ્ર જિલ્લામાં તારીખ ૨૫ સપ્ટેમ્બર થી ૩ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ‘આંગણોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આંગણવાડી કેન્દ્રોની કામગીરીને વધુ સુદ્રઢ કરવા અને આરોગ્ય-પોષણનો સંદેશો જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશથી યોજાનાર આ ઉત્સવમાં જિલ્લાના તમામ નાગરિકો, માતાઓ, બાળકો અને કિશોરીઓને ઉત્સાહભેર જોડાવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આંગણવાડી ઉત્સવમાં યોજાનાર વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ફળ અને THR નું વિતરણ કરવામાં આવશે. માતાઓ અને કિશોરીઓ સાથે ICDS ની યોજનાઓ અને આંગણવાડી દ્વારા આપવામાં આવતી સેવાઓ અંગે માહિતી પૂરી પાડવામાં આવશે. બાળકોના પોષણની સ્થિતિમાં સુધારો કરનાર તેમજ નિયમિત હાજરી આપનાર બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. બાળકો અને કિશોરીઓ દ્વારા વિશ્વ રેકોર્ડ માટે ચિત્રકામ પ્રવૃત્તિમાં ભાગીદારી. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ઉત્કૃષ્ટ કામગીરી માટે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત, આંગણવાડીમાં ગ્રોથ મોનિટરિંગ ડિવાઈસ, સાડી, યુનિફોર્મ, પુસ્તકો, રમકડાં અને THR ના સ્ટોલનું પ્રદર્શન યોજાશે. સાથે જ ફળ-શાકભાજીની રંગોળી, આઈ.સી.ડી.એસ. સેવાઓ દર્શાવતા પેપર તોરણ તથા બાળકો માટે રમતગમત (ફ્રોગ રેસ, દોડ, લીંબુ-ચમચી) જેવી મનોરંજક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું છે.
આરોગ્ય, શિક્ષણ અને સુપોષણનો આ સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડી ‘આંગણોત્સવ’ને સફળ બનાવવા માટે જિલ્લા પંચાયત – ભુજ (કચ્છ) દ્વારા જિલ્લાના તમામ ગ્રામજનો અને લાભાર્થીઓને આયોજનમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.










