વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
કચ્છ યુનિવર્સિટીની ઘોર બેદરકારી: MBBS ના ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓને ખોટા PRN નંબર વાળા ડિગ્રી સર્ટિફિકેટ પધરાવ્યા; શું યુનિવર્સિટી જ બોગસ ડૉક્ટરોને પ્રોત્સાહન આપી રહી છે?
•
ભૂલ પોતાની હોવા છતાં લાજવાને બદલે ગાજતા સત્તાધીશો: ‘ડિજિટલ ઇન્ડિયા’ માં ઓનલાઇન સુધારાનો બીજો રસ્તો અપનાવવાને બદલે ફરજ પરના તબીબોને રૂબરૂ ધક્કા ખવડાવવાનો તઘલખી જીદ!
•
અસલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટના નંબર અલગ-અલગ હોવાથી તબીબોનું ભવિષ્ય જોખમમાં; મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી ત્વરિત તપાસના આદેશ આપે તેવી માંગ.
ભુજ, તા. ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ :
ગુજરાતમાં એક તરફ નકલી અને બોગસ ડૉક્ટરો પકડીને જેલભેગા કરવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે બીજી તરફ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજની એક ગંભીર લાપરવાહી સામે આવી છે જેને કારણે ગંભીર સવાલો ઊભા થયા છે. યુનિવર્સિટી દ્વારા જાન્યુઆરી ૨૦૨૫ માં MBBS ની ફાઇનલ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને હાલમાં ઓક્ટોબર ૨૦૨૬ માં સ્પીડ પોસ્ટ દ્વારા જે ડિગ્રી સર્ટિફિકેટ મોકલવામાં આવ્યા છે તેમાં ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓના અત્યંત મહત્વપૂર્ણ એવા PRN (પર્માનેન્ટ રજીસ્ટ્રેશન નંબર) ખોટા છાપી મારવામાં આવ્યા છે!
કોઈપણ ડૉક્ટર અસલી છે કે નકલી તેની ખરાઈ આ યુનિક PRN નંબરના આધારે જ કરવામાં આવતી હોય છે. ત્યારે આવા સંવેદનશીલ શૈક્ષણિક દસ્તાવેજમાં જ યુનિવર્સિટી કક્ષાએથી ક્ષતિ રહેતા જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે કે: “શું કચ્છ યુનિવર્સિટી આવા ખોટા નંબર વાળા ડિગ્રી સર્ટિફિકેટ આપીને પરોક્ષ રીતે બોગસ ડૉક્ટરોને પ્રોત્સાહન તો નથી આપી રહી ને?” જો ભવિષ્યમાં આવા સર્ટિફિકેટનો દુરુપયોગ થાય તો તેની જવાબદારી કોની?
લાજવાને બદલે ગાજતા અધિકારીઓ: ઓનલાઇન સુધારાનો ઇનકાર!
આ ગંભીર વહીવટી ભૂલ સામે આવ્યા બાદ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓએ જ્યારે યુનિવર્સિટીના આઇ.ટી. અને પરીક્ષા વિભાગનો ઇમેઇલ/ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે અધિકારીઓએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ‘લાજવાને બદલે ગાજતા’ હોય તેમ ઉદ્ધત વલણ અપનાવ્યાનું સામે આવ્યું હોવાના સમાચાર છે. વડાપ્રધાનશ્રીના ‘ડિજિટલ ઇન્ડિયા’ ના યુગમાં જ્યારે બધી સેવાઓ ઓનલાઇન થઈ રહી છે ત્યારે યુનિવર્સિટીએ કોઈપણ વૈકલ્પિક કે બીજો સરળ રસ્તો (જેમ કે ઓનલાઇન પોર્ટલ અથવા કુરિયર દ્વારા સુધારો) અપનાવવાની ચોખ્ખી ના પાડી દેતા અને
સત્તાધીશો દ્વારા જીદ વલણ અપનાવીને વિદ્યાર્થીઓએ ચાલુ દિવસોમાં તમામ અસલ દસ્તાવેજો સાથે રૂબરૂ ભુજ ધક્કો ખાવાની સૂચના આપતા હાલમાં આ નવયુવાન ડૉક્ટરો ગ્રામ્ય વિસ્તારોમાં ફરજિયાત સરકારી બોન્ડ હેઠળ ૨૪ કલાક દર્દીઓની સેવામાં કાર્યરત છે અથવા પી.જી. (ઉચ્ચ અભ્યાસ) માં જોડાયેલા છે ત્યારે આવા સમયે ચાલુ ફરજ પરથી રજા મળવી મુશ્કેલ હોય છે. યુનિવર્સિટીની આ જિદ્દી નીતિના કારણે આ તબીબોને આર્થિક, શારીરિક અને માનસિક શોષણ વેઠવાનો સમય આવ્યો છે.
અવારનવાર વિવાદોના વમળમાં રહેતી કચ્છ યુનિવર્સિટીની આ સરમુખત્યારશાહી અને લાલિયાવાડી સામે હવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી થઈ રહી છે ત્યારે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રી આ બાબતની ગંભીરતા સમજીને ત્વરિત હસ્તક્ષેપ કરે અને ડૉક્ટરોને રૂબરૂ બોલાવવાના તઘલખી નિર્ણયને રદ કરાવીને ઓનલાઇન અથવા પત્રવ્યવહાર દ્વારા જ ઘરબેઠા સુધારેલા પ્રમાણપત્રો મોકલવાનો બીજો યોગ્ય વૈકલ્પિક રસ્તો અપનાવવાના આદેશ કરે તેવી વ્યાપક લોક માંગ તબીબી આલમમાંથી ઉઠી રહી છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com











