HALVAD હળવદ રાણેકપર ચોકડી પાસે સ્પાના ઓથા હેઠળ ચાલતા કૂટણખાના પર પોલીસનો દરોડો; સંચાલક ઝડપાયો, માલિક ફરાર

હળવદ શહેરમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રાણેકપર ચોકડી પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં ડમી ગ્રાહક મોકલીને પોલીસે સફળ રેડ પાડી સંચાલકની ધરપકડ કરી છે, જ્યારે સ્પા માલિક ફરાર થઈ જતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ડમી ગ્રાહક મોકલી છટકું ગોઠવ્યું હળવદ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, રાણેકપર ચોકડી પાસે આવેલ વિશ્વાસ આર્કેડના બીજા માળે સંચાલિત ‘ટુ કેર લક્ઝરીયસ સ્પા’માં બહારના રાજ્યો અને જિલ્લાઓમાંથી યુવતીઓને બોલાવીને બોડી મસાજના નામે કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે છટકું ગોઠવી એક ડમી ગ્રાહકને સ્પામાં મોકલ્યો હતો. ડમી ગ્રાહક તરફથી લીલી ઝંડી મળતાં જ પોલીસે તુરંત ત્રાટકીને દરોડો પાડ્યો હતો.
સંચાલક પકડાયો, ₹35,000નો મુદ્દામાલ જપ્ત દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી દેહવ્યાપારનું સંચાલન કરતા રોહિતજી દલસંગજી વાઘેલા (રહે. હળવદ, મૂળ ડીસા)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે સ્પાનો મુખ્ય માલિક વિષ્ણુભાઈ પ્રતાપભાઈ ગોહરીયા (રહે. કારેલા, તા. લખતર) સ્થળ પર હાજર ન મળી આવતાં તે ફરાર જાહેર થયો છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને અન્ય વાંધાજનક સામગ્રી સહિત કુલ રૂ. 35,000/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ITPA હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ હળવદ પોલીસે આ મામલે ‘ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ-1956’ (ITPA) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર મુખ્ય સંચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે તેમજ આ અનૈતિક નેટવર્ક સાથે અન્ય કોઈ સ્થાનિક કે બહારના શખ્સો સંકળાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.














