TANKARA:ટંકારાના મેઘપર ઝાલાના શિક્ષિકા હેતલબેન સોલંકી ‘રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’થી સન્માનિત
ગાંધીનગર, તા. 5 સપ્ટેમ્બર 2026 મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી હેતલબેન સોલંકી (વરૂ) મહામહિમ રાજ્યપાલશ્રીના હસ્તે ‘રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’થી સન્માનિત

તા. ૫ સપ્ટે. ૨૦૨૬ના રોજ શિક્ષક દિન નિમિત્તે ગાંધીનગર સ્થિત PDPU ઓડિટોરિયમ ખાતે રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની શ્રી મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં છેલ્લા ૧૬ વર્ષથી ભાષા શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપતા શ્રીમતી હેતલબેન કાંતિલાલ સોલંકી (વરૂ)ને ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ‘રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ એનાયત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત પોલીસ બેન્ડ દ્વારા વંદે માતરમ્ અને રાષ્ટ્રગીતની ગૌરવપૂર્ણ ધૂન સાથે થઈ હતી. સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રાજ્યના પ્રતિભાશાળી ૪૦ શિક્ષકોનું બહુમાન કરાયું હતું. શ્રીમતી હેતલબેન સોલંકીને મહામહિમ રાજ્યપાલશ્રીના હસ્તે શાલ, પ્રમાણપત્ર અને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્મૃતિચિહ્ન એનાયત કરી તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સેવાઓને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન રાજા તથા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મહામહિમ રાજ્યપાલશ્રીએ શિક્ષકોને પ્રેરણાદાયી સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં પરા અને અપરા બંને વિદ્યા આપવી જરૂરી છે; આધુનિક ટેકનોલોજીના શિક્ષણની સાથોસાથ ભારતીય મૂલ્યો અને સંસ્કારોનું સિંચન પણ અનિવાર્ય છે.
ઉલ્લેખનીય છે કે, શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ તા. ૪ સપ્ટે. ના રોજ રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન રાજાના નિવાસસ્થાને એક વિશેષ સ્નેહમિલન અને વિચારગોષ્ઠીનું આયોજન થયું હતું. જેમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, વિભાગના નાયબ નિયામક શ્રી પંકજ ત્રિવેદી તથા ડૉ. નિવેદિતા વાજાની ઉપસ્થિતિમાં બંને શિક્ષણ મંત્રીઓ દ્વારા તમામ ૪૦ પુરસ્કૃત શિક્ષકો અને તેમના પરિજનો સાથે વ્યક્તિગત મુલાકાત લઇ સંવાદ સાધવામાં આવ્યો હતો.
હેતલબેન સોલંકીની આ ગૌરવવંતી સિદ્ધિ બદલ સમગ્ર મોરબી જિલ્લા શિક્ષણ જગત, શાળા પરિવાર અને ગ્રામજનો તરફથી તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.








