તારીખ ૨૪/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના અડાદરા ગામમાં પાંચ પથરા રોડ પરથી બેદરકાર બાઇક ચાલકે એક વૃદ્ધ મહિલાને અડફેટે લઈ ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે.
કાલોલ તાલુકાના અડાદરા વાલ્મીકિ ફળિયમાં રહેતા નિવૃત્ત કર્મચારી પુનમભાઈ મડાભાઈ (ઉ.વ.68, નિવૃત્ત કર્મચારી) એ નોંધાવેલ ફરિયાદ મુજબ, ગત તા.13/10/2026 ના રોજ સવારે 11:15 વાગ્યે તેમની પત્ની સુશીલાબેન પુનમભાઈ ઘરેથી અડાદરા બજારમાં કામ અર્થે ગયા હતા. લગભગ સાડા અગિયાર વાગ્યે ઘર નજીક રોડ પર અકસ્માત થતાં લોકોની દોડાદોડી થતા પુનમભાઈ પણ ત્યાં દોડી ગયા હતા. જોયું તો તેમની પત્ની રોડ પર પડેલા હતા અને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ લોહી નીકળી રહ્યું હતું. જ્યાં સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે, મોટરસાયક GJ-17-CQ-1388 નો ચાલક પાંચ પથરા તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીપૂર્વક બાઇક હંકારી લાવી પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જી નાસી ગયો હતો.જ્યાં ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સીટી સ્કેન કર્યા બાદ સારવાર આપવામાં આવી હતી. હાલ તેમની દવા ચાલુ છે. આ મામલે વેજલપુર પોલીસે બાઇક નંબર GJ-17-CQ-1388 ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










