TANKARA:પ્રજાના રૂપિયા પ્રજાને પરત: ટંકારા પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો, ₹૧૪.૧૪ લાખનો મુદ્દામાલ પરત અપાતા લોકોમાં ખુશી

ટંકારા:પ્રજા કલ્યાણ અને સેવાકીય અભિગમ સાથે ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘરફોડ ચોરી, ચીલઝડપ, ગુમ થયેલા મોબાઈલ ફોન તથા સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકો પાસેથી રિકવર કરાયેલ કુલ રૂ. ૧૪,૧૪,૪૦૨/- નો મુદ્દામાલ તેના અસલ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો.

બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડીયા તથા મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલની પ્રજાલક્ષી કામગીરીની સૂચના મુજબ અને વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે. ડી. ઝાલા અને તેમની ટીમ દ્વારા આ સફળ કામગીરી પાર પાડવામાં આવી છે.
તાજેતરમાં ટંકારા પંથકમાં રિક્ષા મુસાફરી દરમિયાન ગળામાંથી સોનાના હારની તફડંચી તેમજ સરાયા, ડેરીનાકા રોડ અને લક્ષ્મીનારાયણ સોસાયટી વિસ્તારના રહેણાંક મકાનોમાં રાત્રિ તથા દિવસ દરમિયાન થયેલી ચોરીના ગુનાઓ નોંધાયા હતા. પોલીસે બાતમી અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ નામદાર ટંકારા કોર્ટના હુકમ મુજબ વાંકાનેર ડીવાયએસપી સમીર સારડાના હસ્તે ફરિયાદીઓને તેમનો મુદ્દામાલ સુપ્રત કરવામાં આવ્યો હતો.

સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ: વિવિધ ઘરફોડ ચોરી અને ચીલઝડપના કેસોમાં ઝડપાયેલ સોનાનો હાર, બુટ્ટી, ચાંદીના સાંકળા, સિક્કા તેમજ રોકડ રકમ મળી કુલ રૂ. ૭,૭૧,૨૦૫/-ગુમ થયેલ ૧૦ નંગ મોબાઈલ ફોન: કિંમત રૂ. ૩,૮૪,૧૯૭/-સાયબર ફ્રોડની રિકવર થયેલ રકમ: રૂ. ૨,૫૯,૦૦૦/-કુલ પરત કરાયેલ મુદ્દામાલ: રૂ. ૧૪,૧૪,૪૦૨/-
પોતાની મહેનતની કમાણી અને કિંમતી સામાન પરત મળતા ફરિયાદીઓએ ટંકારા પોલીસની ત્વરિત અને પારદર્શક કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.













