જામજોધપુર નજીક વેણુના પુલ પાસે પીકઅપની એક્ટિવાને ટક્કર : પતિ-પત્ની અને પુત્રીને ઇજા

મહિલાને ખભામાં અને પતિને પગ તથા કપાળમાં ફ્રેક્ચર અકસ્માત સર્જી ચાલક ફરાર
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા ૩, જામજોધપુર તાલુકાના વેણુના પુલથી મેલાણ ગામ તરફ જતા માર્ગ પર નવા પુલ પાસે પીકઅપ બોલેરોના ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં એક જ પરિવારના ત્રણ સભ્યોને ઇજા પહોંચી હતી. આ અંગે શેઠવડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદી મનીષાબેન મુકેશભાઈ વરાણીયા (ઉંમર ૩૦, રહે. માણેક રેસિડન્સી, જામજોધપુર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. ૧૯ ઓક્ટોબરના રોજ સાંજે પોણા આઠ વાગ્યાના અરસામાં તેઓ પતિ મુકેશભાઈ અને પુત્રી વંશિકા સાથે એક્ટિવા પર પસાર થઈ રહ્યાં હતાં.
તે દરમિયાન જીજે-૩૬-વી-૬૦૭૬ નંબરની પીકઅપ બોલેરોના ચાલકે બેફિકરાઈથી અને ગફલતભરી રીતે વાહન ચલાવી તેમની એક્ટિવાને ટક્કર મારી હતી.
અકસ્માતમાં મનીષાબેનને જમણા ખભામાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે તેમના પતિ મુકેશભાઈને જમણા પગમાં અને કપાળના ભાગે ફ્રેક્ચરની ઇજાઓ થઈ હતી. પુત્રી વંશિકાને જમણા હાથમાં ઇજા પહોંચી હતી.
અકસ્માત સર્જ્યા બાદ પીકઅપ ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ અંગે શેઠવડાળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.









