અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – નારણપુર સેવા સહકારી મંડળીમાં સરકારી અનાજની ગેરરીતી ઝડપાઈ, ઘઉંના ખાલી બારદાનમાં ઘઉં ચોખા ,ખાંડ ની જગ્યાએ યુરિયા ખાતર ઝડપાયું – 9 હજાર કિલોગ્રામ થી વધુ અનાજની ઘટ
અરવલ્લી જિલ્લામાં ગરીબોના અનાજમાં ગેરરીતિનો આક્ષેપ: ઘઉંના બારદાનમાં ખાતર અને અન્ય કઠોળ ભરી જથ્થો છુપાવવાનો પ્રયાસ

મેઘરજ: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં સરકારી સસ્તા અનાજની દુકાનમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. મેઘરજ તાલુકાની ધી નારણપુર સેવા સહકારી મંડળી ખાતે ઘઉં, ચોખા અને ખાંડના જથ્થામાં મોટી ઘટ જોવા મળતાં સમગ્ર મામલે ચકચાર મચી છે. અનાજના જથ્થામાં થયેલી ઘટ છુપાવવા માટે ઘઉંના બારદાનમાં યુરિયા ખાતર તેમજ ચણા દાળ અને તુવેર દાળ ભરી જથ્થો દર્શાવવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપો થયા છે.
મળતી માહિતી મુજબ, દુકાનમાં ઘઉંની થેલીઓમાં યુરિયા ખાતરની થેલીઓ ભરી રાખવામાં આવી હતી. આ ઉપરાંત ઘઉંનાં બારદાનમાં ચણા દાળ અને તુવેર દાળનો જથ્થો ભરી અનાજના જથ્થા અંગેની ગેરરીતિ છુપાવવાનો પ્રયાસ કરાયો હોવાની વિગતો સામે આવી છે. આ મામલે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
હજારો કિલો અનાજનો જથ્થો ગાયબ
આ મામલે સામે આવેલી વિગતો અનુસાર, ઘઉંના 3,716 કિલો, ચોખાના 2,683 કિલો અને ખાંડના 695 કિલો જથ્થાની ઘટ નોંધાઈ છે. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મળતા સરકારી અનાજના જથ્થામાં આટલી મોટી ઘટ સામે આવતાં અનેક સવાલો ઊભા થયા છે.
પુરવઠા વિભાગે તપાસ કરી
ઘટનાની જાણ થતાં મેઘરજ પુરવઠા વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ ટીમે રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા પુરવઠા વિભાગને સુપરત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.હવે આ મામલે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. ગરીબોના હક્કનું અનાજ સગેવગે કરનાર અને સરકારી અનાજના જથ્થામાં ગેરરીતિ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠી રહી છે.










