અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસામાં કાઝીના ખેતરમાંથી રૂ.4.10 લાખના બે ઘોડાની ચોરીનો ભેદ ઉકેલાયો, પિતા-પુત્ર ઝડપાયા
મોડાસા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો મુદ્દામાલ રિકવર કરી બે આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી

મોડાસા શહેરના માજુમ જળ પાસે પહાડપુર રોડ પર આવેલા કાઝીના ખેતરમાંથી બે ઘોડા ચોરી થવાના બનાવનો મોડાસા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરી થયેલા બંને ઘોડા મળી કુલ રૂ.4.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
અરવલ્લી જિલ્લામાં ચોરીના ગુનાઓ ઉપર અંકુશ લાવવા અને વણઉકેલાયેલા ચોરીના ગુનાઓને ડિટેક્ટ કરવા અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. આ અંતર્ગત મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગ તેમજ ગુના ડિટેક્શનની કામગીરી કરી રહી હતી.તા.03/10/2026ના રોજ ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી કે, તા.29/09/2026ના સવારે 8:30થી બપોરે 2:00 વાગ્યા દરમિયાન માજુમ જળ પાસે પહાડપુર રોડ ઉપર કાઝીના ખેતરમાં બાંધી રાખેલા બે ઘોડા અજાણ્યા ઇસમો ચોરી કરીને લઈ ગયા હતા. ચોરી થયેલા સફેદ રંગના ઘોડાની કિંમત રૂ.2.40 લાખ તથા લાલ અને સફેદ રંગના પટ્ટાવાળા ઘોડાની કિંમત રૂ.1.70 લાખ મળી કુલ રૂ.4.10 લાખની હતી.
ફરિયાદના આધારે મોડાસા ટાઉન પોલીસના એસ.એસ. મલેક તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી. બનાવસ્થળથી પહાડપુર તરફ જતા રોડ ઉપર આવેલી શાળાના CCTV ફૂટેજ ચેક કરતા એક શંકાસ્પદ પીકઅપ ગાડી નજરે પડી હતી. ગાડીનો નંબર GJ-31-T-4119 હોવાનું સામે આવતા પોલીસે વાહન નંબરના આધારે તપાસ આગળ ધપાવી હતી.પોલીસ તપાસ દરમિયાન વાહન માલિક દલપતભાઈ ડાહ્યાભાઈ પરમાર, રહે. અહમતપુરા, તા. સાઠંબા,ના ઘરે તપાસ કરતા બે ઇસમો મળી આવ્યા હતા. ઘરની બાજુમાં બે ઘોડા બાંધેલા જોવા મળતા પોલીસે પૂછપરછ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ પૈસાની લેતીદેતીના મુદ્દે મોડાસા ખાતે રહેતા જાવેદખાનના સસરા પાસેથી પૈસા લેવાના બાકી હોવાના કારણે તેમની જાણ વગર બે ઘોડા લઈ આવ્યા હોવાનું જણાવ્યું હતું.
આ બાદ પોલીસે સ્થળ પરથી એક સફેદ રંગનો ઘોડો તથા એક લાલ અને સફેદ પટ્ટાવાળો ઘોડો મળી બંને ઘોડા, કુલ કિંમત રૂ.4.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં દલપતભાઈ ડાહ્યાભાઈ પરમાર અને તેમના પુત્ર મુકેશભાઈ દલપતભાઈ પરમારને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામગીરીથી મોડાસા ટાઉન પોલીસે CCTV ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે ચોરીનો ગુનો ઝડપી ઉકેલી ચોરી થયેલા ઘોડા રિકવર કરવામાં સફળતા મેળવી છે.










