MORBI:મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સેવા વસ્તીઓમાં ૨૦૦ જેટલી બાળાઓનું કન્યા પૂજન કરાયું: ભેટ-લાણી આપી આશીર્વાદ મેળવ્યા

મોરબી:નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શહેરની વિવિધ સેવા વસ્તીઓમાં ધામધૂમથી કન્યા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રી ગરબી મહોત્સવ દરમિયાન યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં બાળાઓને શક્તિ સ્વરૂપ માની તેમનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન આશરે ૨૦૦ જેટલી નાની બાળાઓને કુમકુમ તિલક કરી, આરતી ઉતારી આશીર્વાદ લેવામાં આવ્યા હતા. પૂજન બાદ તમામ બાળાઓને પ્રેમપૂર્વક ભેટ સ્વરૂપે લાણીનું વિતરણ કરાયું હતું. નારી શક્તિના સન્માન અને ભારતીય સંસ્કૃતિના જતન અર્થે યોજાયેલા આ કાર્યક્રમથી સેવા વસ્તીઓમાં ભક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓના જણાવ્યા મુજબ, સમાજમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય, સામાજિક સમરસતા વધે અને આપણી પરંપરાઓ જીવંત રહે તેવા આશયથી સંસ્થા દ્વારા આવા વિવિધ સેવાકીય કાર્યો સતત કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન સેવા વસ્તીઓમાં સંપન્ન થયેલું આ કન્યા પૂજન સંસ્કૃતિ અને સંસ્કારોને ઉજાગર કરતું પ્રેરણાદાયી આયોજન બની રહ્યું હતું.














